Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ધાર્મિક સ્થળો પર વાનરોની ધમાચકડી થંભી ગઇ

મંદિરોની આજુબાજુથી વાનરો થયા ગુમઃ લોકો લોકડાઉનમાં હોવાથી વાનરો ભૂખથી પરેશાન

લખનૌ તા. ૭: કોરોના વાયરસના કારણે માણસો જ નહીં મુક પ્રાણીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકડાઉનના કારણે લોકો ઘરોમાં પુરાઇ ગયા છે. મથુરા, વૃંદાવન, ચિત્રકૂટ, અયોધ્યા અને કાશીના મંદિરોના કપાટ બંધ છે. આ સ્થિતિમાં આ મંદિરોની આજુબાજુ ફરતા વાનરો ભૂખથી બેહાલ છે. તમામ સ્વયંસેવી સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો વાનરોના ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે પણ તે પ્રયાસો પુરતા નથી.

કનૈયાની નગરીના દરેક મંદિર અને યમુના કિનારે વાનરોની ભરમાર છે. અહીં તેની વસ્તી એટલી વધારે છે કે સાંસદ હેમામાલિનીએ વાનરોની સમસ્યાને લોકસભામાં ઉઠાવવી પડી હતી. વાનરોના કારણે અહીં અવારનવાર અકસ્માતો થતા હોય છે. પણ લોકડાઉનમાં આ વાનરો અહીં ભૂખમાં તડપતા જોવા મળે છે. ભકતો દ્વારા આ વાનરોને ખાવા પીવાની વસ્તુઓ મળી જતી હતી. અત્યારે ભકતો ઘરમાં પુરાયેલા છે એટલે ભૂખથી તડપતા વાનરો જયાં ત્યાં દોડાદોડી કરતા દેખાય છે.કાશીમાં ઠેક ઠેકાણે ટોળા બનાવીને રહેતા વાનરોની પણ લોકડાઉન પરિક્ષા લઇ રહ્યું છે. વડાપ્રધાને રપ માર્ચે કાશીવાસીઓને અપીલ કરીને કહ્યું હતું કે દરેક કાશીવાસીએ જવાબદારી લે કે તેની આજુબાજુ કોઇ બેજૂબાન ભૂખ્યું ન રહે. તેમની આ અપીલની અસર અહીં દેખાઇ રહી છે. પોલિસ, ધાર્મિક સંગઠનો, સામાજીક સંસ્થાઓ અને મંદિરો મળીને કાશી વિશ્વનાથ મંદિરની આજુબાજુ તથા અન્ય મંદિરોની પાસેના વાનરો અને ગૌવંશ માટે ભોજનની વ્યવસ્થા કરે છે.

લોકડાઉનની સૌથી વધુ અસર ચિત્રકૂટના વાનરોમાં જોવા મળી રહી છે. ભૂખથી બેહાલ વાનરો હવે મંદિરો છોડીને વસ્તી તરફ પ્રયાણ કરી ગયા છે. અને ત્યાં ભૂખને કારણે ઉત્પાલ મચાવી રહ્યા છે. અહીં પણ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે પણ તેમના પ્રયાસોનું પ્રમાણ દાળમાં મીઠા જેટલું છે.

(4:02 pm IST)