Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ટુરીઝમ ઇન્ડસ્ટ્રીનું અસ્તિત્વ જોખમમાં

કોરોનાને લીધે હજારો મુસાફરો-ટ્રાવેલ એજન્ટોના રીફન્ડ અટવાયાઃ મહામારીમાં પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

એરલાઇન્સ તેમજ હોટેલ દ્વારા પૈસા પરત કરવાની જગ્યાએ ૬ થી ૧ર મહિનાની અવધિની ક્રેડીટ નોટ આપવામાં આવી રહી છે : આ ક્રેડીટ નોટ જે તે પેસેન્જરને ત્યારનાં ભાવ મુજબ વાપરવા મળશે : વિચિત્ર શરતથી રોષ

રાજકોટ, તા. ૮ : કોરોના મહામારીના લીધે લોક ડાઉન તેમજ ટ્રાવેલ રીસ્ટ્રીકશન ના કારણે હજારો લોકોએ તેમજ ટ્રાવેલ એજન્ટોએ પોતાના બુકિંગ કેન્સલ કરવાનો વારો આવ્યો છે આવા સંજોગોમાં એરલાઇન્સ તેમજ હોટેલ દ્વારા પૈસા પરત કરવાની જગ્યાએ તેમને ક્રેડીટ નોટ આપવામાં આવી રહી છે જે તેમણે આવતા ૬ થી ૧૨ મહિનામાં બીજા કોઈ બુકિંગમાં વાપરવાના રહેશે અને તે પણ તેજ વ્યકિતના નામે બુકિંગ કરવાનું રહેશે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન (TAAI) સાથે સંપર્ક કરતા હાલમાં એરલાઈન્સ તેમજ હોટેલ દ્વારા પેસેન્જરોને બુકીંગ ના બદલે આ મુજબના વિકલ્પો અપાઈ રહ્યા છે.

ઇન્ટરનેશનલ ફલાઈટ્સ

મોટા ભાગની એરલાઈન્સ દ્વારા કસ્ટમરને તેની હાલની ટિકિટની રકમ જેટલી ટ્રાવેલ ક્રેડિટ આપવામાં આવે છે જે ક્રેડિટ મોટા ભાગે આવતા ૧ વર્ષ સુધીમાં વાપરી શકાશે પરંતુ  જે-તે પેસેન્જર ના નામે બુકીંગ કરવું પડશે. તેમજ નવી ટિકિટ બુકીંગ સમયના ભાવ મુજબ પેમેન્ટ કરવાનું રહેશે.

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ

દરેક એરલાઈન્સ દ્વારા કસ્ટમરને તેની હાલની ટિકિટને એક વાર ફ્રી માં કોઈ નવી તારીખમાં બદલી આપશે પણ જો નવી તારીખમાં ભાવ બુક કરેલી ટિકિટ કરતા વધુ હશે તો તેમને ડિફરન્સની રકમ આપવાની રહેશે. અથવા તેમની ટિકિટની રકમ જેટલી ટ્રાવેલ ક્રેડિટ આપવામાં આવે છે જે તેમણે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કોઈ નવી ટિકિટ કોઈપણ તારીખ માટે વાપરી શકશે પરંતુ જે-તે પેસેન્જર ના નામે બુકીંગ કરવું પડશે. અને જે તે સમયના ભાવ મુજબના બુકિંગમાં આ ટ્રાવેલ ક્રેડિટ બાદ કરી બાકીની રકમ ભરવાની રહેશે.

કેન્સલેશન

હાલના સંજોગોમાં મોટા ભાગની એરલાઇન્સ જેમની ફ્લાઇટ ચાલુ હોય કે બંધ હોય તેવા સંજોગોમાં પેસેન્જર પોતાની ટિકિટ કેન્સલ કરવા માંગે તે ટિકિટનું ફુલ રીફન્ડ મળતું નથી તેમજ તેમણે દરેક એરલાઈન્સની બુકીંગ પોલીસી પ્રમાણે કેન્સલશન ચાર્જ ભરી બાકીની રકમ પરત મેળવી શકે છે પરંતુ હાલમાં દરેક એરલાઇન્સ દ્વારા ડાયરેકટ કેન્સલેશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવેલી હોય રીફન્ડ એપ્લિકેશન દ્વારા રીફન્ડ માંગવાનું રહે છે જેમાં એજન્ટ કે ગ્રાહક સુધી રીફન્ડની રકમ આવામાં ૬૦ થી ૯૦ દિવસનો સમય લાગે છે.

ડોમેસ્ટિક હોટેલ તથા પેકેજ બુકીંગ

જે ગ્રાહકોએ ભારતમાં હોટેલ કે ટ્રાવેલ પેકેજ બુકિંગ કરેલ હોય અને બુકિંગ એપ્રિલ મહિના માટે હોય તેમાં હાલમાં હોટેલ પણ ગ્રાહક કે એજન્ટને તેની રકમ જમા આપે છે જે ભવિષ્યમાં બીજા બુકીંગ માટે વાપરી શકાય તેમજ જો કોઈ ગ્રુપ પેકેજમાં બુકિંગ હોય તેમાં પણ હાલમાં રકમ ક્રેડિટનોટ સ્વરૂપેજ આપવામાં આવે છે. પરંતુ જો કોઈ બુકિંગ મોડી તારીખો માટે હોય જેમાં કોઈ પેસેન્જર પોતે ટ્રાવેલ ના કરવા માંગતા હોય તેમણે બુકિંગ પોલીસી મુજબ કેન્સલેશન ચાર્જ ચૂકવવાનો રેહશે.

ઇન્ટરનેશનલ હોટેલ તથા પેકેજ બુકીંગ

જે ગ્રાહકોએ ફોરેન માટે હોટેલ કે ટ્રાવેલ પેકેજ બુકિંગ કરેલ હોય અને બુકિંગ જૂન મહિના સુધી હોય તેમાં હાલમાં હોટેલ કે એજન્સી તે બુકીંગની રકમ ગ્રાહક કે એજન્ટને જે તે રકમ જમા આપે છે જે ભવિષ્યમાં બીજા બુકીંગ માટે વાપરી શકાય તેમજ જો કોઈ ગ્રુપ પેકેજમાં બુકિંગ હોય તેમાં પણ હાલમાં રકમ ક્રેડિટનોટ સ્વરૂપેજ આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત જે તે પેકેજમાં કોઈ ટિકિટો એવી હોય કે જેમનું બુકિંગ થઈ ગયેલું હોય અને જે તે દેશમાં તેનું ઓપરેશન ચાલુ હોય આવા કિસ્સામાં તે રકમ પરત મળતી નથી. તેમજ જો કોઈ બુકિંગ મોડી તારીખો માટે હોય જેમાં કોઈ પેસેન્જર પોતે ટ્રાવેલ ના કરવા માંગતા હોય તેમણે બુકિંગ પોલીસી મુજબ કેન્સલેશન ચાર્જ ચૂકવવાનો રેહશે.

વધુમાં TAAI સૌરાષ્ટ્ર ચેપ્ટરના પ્રમુખ દેવનભાઈ શાહ ના જણાવ્યા મુજબ 'હાલમાં અમે લોકો અમારા ગ્રાહકોને મુશ્કેલી ના થાય તે માટે વારંવાર એરલાઇન્સ અને હોટલો સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે દ્યણા પેસેન્જરોએ સ્કીમમાં દ્યણી સસ્તી ટિકિટો લીધેલી હોય જયારે ભવિષ્યમાં તે નવી ટિકિટ બુક કરે ત્યારે તેના ભાવ દ્યણીવાર ખુબજ વધારે હોય જે દરેક લોકોને તે પરવડે નહીં તેમજ દ્યણા બુકીંગ પ્રાસંગીક હોય શકે જે માટે હવે તેમણે જવાનુજ ના હોય તો તે રીફન્ડ કેવી રીતે વાપરી શકે. તથા  'અમે લોકો વારંવાર એરલાઈન્સ કંપનીઓને જાણ કરી રહ્યા છીએ કે આ નિયમમાં તુરતજ ફેરફારની જરૂર છે કેમ કે આવી મહામારીના સમયે કે જયારે લોકો બહાર જવાનું ટાળતા હોય ત્યારે ૬ મહિનામાં તેજ વ્યકિત ટ્રાવેલ કરી શકે તે શકય નથી. અમે લોકો તેમજ બધાજ ટ્રાવેલ એજન્ટો દ્વારા એવી માંગણી કરવામાં આવેલ છે કે એરલાઇન્સ દ્વારા કેશ માજ ફૂલ રીફન્ડ અથવાતો ક્રેડિટનોટ કોઈપણ વ્યકિત દ્વારા ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

એસોસિયેશનના જણાવ્યા મુજબ હાલમાં જે લોકોએ ગ્રુપ બુકિંગ કરેલું હોય કે ઉનાળા વેકેશન કે ત્યારબાદની ટુર બુક કરેલી હોય તેમને પણ એજન્ટો દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવી રહી છે કેમ કે એજન્ટોને કોઇપણ એરલાઇન્સ કે હોટેલ દ્વારા કોઈ રીફન્ડ કરાતું નથી તેમજ તેમના એડવાન્સ બુકિંગના કરોડો રૂપિયા પણ હાલમાં ફસાયેલા છે.

જે એરલાઇન્સ કે હોટેલ તેમને રીફન્ડ આપે છે તેનું પેમેન્ટ તે તેમના ગ્રાહકોને કરી આપે છે. જે કોઈપણ ગ્રાહક એરલાઇન્સના કોલ સેન્ટર કે હોટેલમાં ફોન કરી પૂછી શકે છે.

તેમના કેહવા મુજબ આ મહામારીમાં જો સૌથી વધુ કોઈને અસર થઈ હોય તો એ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે કે જયાં હજુ આવતા ૬ મહિના સુધી કોઈ ધંધાની શકયતા નથી અને અત્યારે તો  તેમના અસ્તિત્વનો જ સવાલ છે કેમકે તેમણે લાખો રૂપિયા નો ખર્ચ દર મહિને સ્ટાફને પગાર તેમજ ઓફિસ ચલાવા માટે કરવા પડી રહ્યા છે છતાં હજુ સુધી ગવર્મેન્ટ દ્વારા પણ કોઈ સહાય કે રાહત આપવામાં આવેલી નથી. તેથી જ TAAI એસોસિએશન દ્વારા કસ્ટમરને એરલાઇન્સ દ્વારા તુંરતજ રીફન્ડ આપવામાં આવે તેવી માંગણી સ્ટેટ ગવર્નમેન્ટ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ તેમજ IATA પાસે કરેલ છે જેથી કરીને એજન્ટ અને કસ્ટમર વચ્ચે બિનજરૂરી તકરાર ટાળી શકાય. કેમકે અત્યારે દરેક એજન્ટ પાસે કસ્ટમર તેમની ટિકિટનું રીફન્ડ માંગી રહ્યા છે પરંતુ તેમને પણ એરલાઇન્સ દ્વારા રીફન્ડ અપાતું ના હોય તે કોઈને આપી શકતા નથી.  તથા આવા સંજોગોમાં એસોસીએશન દ્વારા સરકાર પાસે તેમને કાયદાકીય રક્ષણ આપવામાં આવે તેવી લાગણી-માંગણી વ્યકત થઇ રહી છે.

(3:57 pm IST)