Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ટેકનોલોજીએ કરી કમાલ

કોરોના અને લોકડાઉને શિક્ષણની સિકલ બદલી નાખી

રાજકોટ તા. ૭ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક મહામારી કોરોના  (COVID 19)એ ભારત અને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવીને લોકોને રીતસર થથરાવી દીધા છે ત્યારે તા.૧૪/૪/ર૦ર૦ સુધી સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

લોકડાઉન દરમ્યાન સ્કુલ, કોલેજ, યુનિવર્સિટી વિગેરે પણ કોરોનાની તકેદારીરૂપે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે શિક્ષણ જગત માટે લોકડાઉન આશીર્વાદરૂપ સાબિત થયું હોવાનું દેખાઇ રહ્યું છે .સમગ્ર શિક્ષણની સિકલ બદલી ગઇ હોવાની પ્રતિતિ થઇ રહી છે.

હાલમાં શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીએ કમાલ કરી નાખી છે અને પ્રોફેસર્સ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે. ZOOM એપ્લીકેશન રાતોરાત હોટફેવરીટ બની ગઇ છે અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો તે એપને સતત ડાઉનલોડ કરતા નજરે છે.

ZOOM એપની મદદથી ઘરે બેઠા ઓનલાઇન લેકચર્સ, સેમિનાર, વ્હાઇટ બોર્ડ ઉપર લેપટોપ થ્રુ ડીજીટલ પેન-ડાયરીથી લખાણ, તજજ્ઞોના ઓડીયો-વિડીયો લોકચર્સ વિગેરે બધું જ શકય બને છે. જેને કારણે વિદ્યાર્થીઓના ભણવાનો સમય નથી  બગડતો. અરે, Ph.D.ના વાયવા પણ ઓનલાઇન કન્ડકટ કરવાનું વિચારણા હેઠળ હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના હાલના અધ્યક્ષ ડો. જયશ્રીબેન નાયક જણાવી રહ્યા છે.

ડીસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશનને લીધે શિક્ષકો, પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ બધાંજ ખુશ દેખાઇ રહ્યા છે. મોટાભાગના પ્રોફેસર્સ અને શિક્ષકો વિદ્યાર્થીઓના ટચમાં રહીને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. ગુગલ કલાસરૂપ પણ ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓના એસાઇન્મેન્ટ પણ ઓનલાઇન કલેકટ થઇ રહ્યાનું જાણવા મળે છે.

આ રીતના એજ્યુકેશનના લીધે હાલમાં વિદ્યાર્થીઓ સાયકોલોજીકલ અને સોશ્યલોજીકલ રીતે ટચમાં રહે છે અને કોરોનાનો ભય અને સ્ટ્રેસ લેવલ પણ ઓછું થતું જોવા મળે છે.

હાલમાં લોકડાઉનના કારણે મોટાભાગના સબ્જેકટ એક્ષ્પર્ટસ, મોટીવેશનલ સ્પીકર્સ, વિદ્વાન વકતાઓ, વેલનોન પર્સનાલિટીઝ, સકસેસ એડમિનિસ્ટ્રેટર્સ, કરીઅર ગુરૂઓ વિગેરે પહેલાના પ્રમાણમાં ફ્રી જોવા મળે છે. જેથી ટેકનોલોજી થ્રુ વિદ્યાર્થીઓને તેઓનો ભરપૂર લાભ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને પર્સનલાઇઝડ લર્નિંગનો માહોલ મળી રહ્યો છે. જે ઘણા વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી બનાવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના ઘરેથી પણ ઓનલાઇન (એકટીવ) થઇ શકતા હોય, તેઓ માટે ટેકનોલોજી આશીર્વાદરૂપ છે. ઘણાંને તો તમામ સિલેબસ તથા પરીક્ષાની સંપૂર્ણ તૈયારી રિવીઝન સાથે પુરી પણ થઇ ગઇ છે.

એવું પણ જાણવા મળે છે કે કોરોના કહેર કે લોકડાઉન વધારે સમય સુધી ચાલે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ અનુસંધાને વિદ્યાર્થીઓનો માસ ભેગો ન કરી શકાય તો અનિવાર્ય ગણાતી પરીક્ષાઓ (ડીસ્ક્રીપ્ટીવ અથવા MCQs કે  પછી અન્ય પેટર્નમાં) પણ ઓનલાઇન લેવાનો વિકલ્પ તંત્ર દ્વારા વિચારણા હેઠળ છે. કારણ કે હાલમાં યુનિવર્સિટી કક્ષાની વાર્ષિક પરીક્ષા લેવા બાબતે દ્વિધા અને અસમંજસ પ્રવર્તી રહી છે. એકઝામ લેવાની અમુક યુનિવર્સિટી હા પાડે છે તો અમુક ના પાડે છે. વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડનાર વર્ષ કે સેમેસ્ટરમાં  સંજોગોને આધીન માસ પ્રમોશન ન આપી શકાય. વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પરીક્ષા પધ્ધતિમાં પણ ફેરફાર આવી શકે છે.

કોરોના તથા લોકડાઉનને કારણે શિક્ષકો અને પ્રોફેસર્સ પણ અવેર થઇ ગયાનું જોવા મળે છે. તેઓનો મૂખ્ય ખોરાક ગણાતા વિદ્યાર્થીઓ અને લેકચર્સ ઓનલાઇનરૂપે મળી રહ્યા છે. ઇ પાઠશાળા તથા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એપની મદદથી વિવિધ મટીરીયલ્સ તથા ઓડીયોઝ-વિડીયોઝ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે.

લોકડાઉન દરમ્યાન અમુક પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ તો સેવાકીય કાર્યોમાં પણ જોડાયા છે. જેમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ, મેન્ટલ એન્ડ હેલ્થ રીલેટેડ કાઉન્સેલિંગ, ફુડપેકેટનું વિતરણ, જીવન જરૂરી ચીજ વસ્તુઓની રાહત કીટનું દરેક એરીયામાં જરૂરીયાતમંદોને વિતરણ વિગેરે પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. ખરેખર આ સમયમાં ઘણાના અલગ હકારાત્મક પાસા જોવા મળી રહ્યા છે.

જો કે અમુક કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે અમુક દાંડ અને આળસુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રોફેસર્સ માટે તો 'જોઇતુ તું ને વૈદ્યે બતાવ્યું' જેવો ઘાટ સર્જાયો છે. જાણે મિનિ વેકશન પડયું હોય તેવી મોજેમોજ છે. પરંતુ માત્રને માત્ર ઘરમાં રહીને ! પાછા ઘરમાં અને ફોનમાં બધાંને કહે પણ છે કે ''કામ કરે ઇ બીજા, આપણે નહીં હો !''

પરંતુ આવા મહાનુભાવો હાલમાં સતત કામ કરતા અને રાષ્ટ્રસેવામાં ફાળો આપતા અન્ય વિદ્યાર્થીઓ, પ્રફેસર્સ અને  શિક્ષકો પાસેથી પ્રેરણા લે તે પણ એટલું જ ઇચ્છનીય છે. ઘણા શિક્ષકો તથા પ્રોફેસર્સે તો વિદ્યાર્થીઓને લોકડાઉનના ર૧ દિવસ દરમ્યાનના ટાઇમ ટેબલની ડાયરી પણ આપી છે. કે જેમાં તમામ પ્રવૃતિઓનું શેડયુલ બનાવેલ હોય. ઘણા લોકો તો એમ પણ કહે છે કે હાલ જેે રીતે શિક્ષણને અસર પહોંચી છેે તે સરભર કરવા શિક્ષકો તથા પ્રોફેસર્સ ભવિષ્યમાં વધારાની કલાકો શિક્ષણ ક્ષેત્રે ફાળવવી જોઇએ આમ વર્કોહોલીક શિક્ષકો તથા પોફેસર્સ દ્વારા સ્ટુડન્ટસને પણ પ્રોત્સાહન મળશેે.

અને છેલ્લે, કોરોના કહેર વચ્ચે શિક્ષણ જગતની સામે એ વાત પણ આવી છે કે હવે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે નવી પોલીસી તથા નવા મોડલ વિકસાવવા જરૂરી છે. સિલેબસમાં નવા યુનિટસનો ઉમેરો કરી શકાય છે કે પછી નવું પેપર પણ એડ કરી શકાય છે. જેને કારણે દેશનું સાચું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ તમામ બાબતોથી વાકેફ રહી રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે.

. ટેકનોલોજીનો બહોળો ઉપયોગ થવા લાગ્યોઃ ZOOM એપ હોટફેવરીટ બની ગઇઃ પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ બંને ખુશ

. મોટાભાગના પ્રોફેસર્સ-શિક્ષકો વિદ્યાર્થીઓના ટચમાં: ડીસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશનના લીધે સ્ટ્રેસ લેવલ ઓછું થયું

. વિષયના તજજ્ઞો, મોટીવેશનલ સ્પીકર્સ, વિદ્વાન વકતાઓ, વેલનોન પર્સનાલિટીઝ, કરીઅર ગુરૂઓ,સકસેસ એડમિનિસ્ટ્રેટર્સ વિગેરે લોકડાઉનમાં ફ્રી હોવાથી ટેકનોલોજી થ્રુ વિદ્યાર્થીઓને ભરપૂર લાભઃ ઇ પાઠશાળા તથા BAOU ની એપ પણ ઉપયોગી

. કોલેજો-યુનિવર્સિટીઓમાં એસાઇન્મેન્ટ, સેમિનાર, ગુગલ કલાસરૂપ, સબ્જેકટ રીલેટેડ વિડીયોઝ, વ્હાઇટ બોર્ડ ઉપર લખાણ વિગેરે બધું જ ઓનલાઇનઃ Ph.D.ના વાયવા પણ ઓનલાઇન કન્ડકટ થઇ રહ્યા છેઃ પર્સનલાઇઝડ લર્નિંગનો માહોલ મળે છે

. વિદ્યાર્થીઓની ડીસ્ક્રીપ્ટીવ કે MCQs સાથેની પરીક્ષા પણ ઓનલાઇન લેવાનો વિકલ્પ વિચારણા હેેઠળઃ પરીક્ષા લેવાનો તંત્ર માટે મોટો પડકાર

. શિક્ષકો-પ્રોફેસર્સ પણ અવેર થઇ ગયા છેઃ લોકડાઉનમાં પણ તેઓને વિદ્યાર્થીઓ અને લેકચર્સરૂપે ઓનલાઇન ખોરાક મળી રહ્યો છેઃ અમુક પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ તો સેવાકીય કાર્યોમાં પણ જોડાયા

. જો કે અમુક દાંડ વિદ્યાર્થીઓ- શિક્ષકો-પ્રોફેસર્સ માટે તો 'જોઇતું તું ને વૈદ્યે બતાવ્યું' જેવો ઘાટઃ મિની વેકેશનની મોજેમોજઃ 'કામ કરે ઇ બીજા, આપણે નહી હો!'

. કોરોના કહેર વચ્ચે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભે નવી પોલિસી તથા નવા  વ્યવહારૂ મોડલ વિકસાવવા જરૂરી હોવાનો પણ અહેસાસ થયો

ટેકનોલોજીના હકારાત્મક ઉપયોગની સાથે-સાથે સાયબર ક્રાઇમ-હેકર્સથી પણ સચેત રહેવું જરૂરી

જીંદગીમાં ઘણી બધી સરળતા કરી આપનાર ટેકનોલોજીમાં હકારાત્મકતા સાથે નકારાત્મકતા પણ નકારી ન શકાય. ઘણી વખત ટેકનોલોજીનો નકારાત્મક ઉપયોગ નુકશાન પણ કરે છે. હાલમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધતો જાય છે ત્યારે સાયબર ક્રાઇમ અને હેકર્સથી પણ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. ZOOM એપએ પણ તાજેતરમાં જ એક નવું સેફટી ફીચર ઉમેર્યુ. છે. પાસવર્ડ, પીનનંબર, વિવિધ એકાઉન્ટસ હેક થવા વિગેરે સોફટ ટાર્ગેટ ગણાતા બનાવો સમયાંતરે જોવા મળી રહ્યા છે.(૬.૬)

ટેકનોલોજી ક્ષેત્રે 'ઓરંગઝેબ' ગણાતા લોકો રાતોરાત 'ટેકનોસેવી' બની ગયા !

હાલમાં લોકડાઉનને કારણે બધાંને 'ફરજિયાત વેકેશન અને ઘરમાં જ નજરકેદ' હોવાનો નવો અનુભવ થઇ રહ્યો છે ત્યારે ટેકનોલોજી ક્ષેત્રે 'ઓરંગઝેબ' ગણાતા (ટેકનોલોજીમાં જરા પણ ઇન્ટરેસ્ટ ન હોવો) ઘણાં લોકો તો રાતોરાત ફરજિયાતપણે 'ટેકનોસેવી' બની ગયા છે. આમ લોકડાઉન તેઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. ટેકનોલોજી ન આવડવાને કારણે જીંદગીમાં ઘણું બધું મીસ કર્યાની ફીલીંગ્સ પણ ઘણાં લોકોમાં આવી રહી છે.

લોકડાઉનની શિક્ષણ ઉપરની સંભવિત નકારાત્મક અસરો

. આંગણવાડીઓ બંધ હોવાથી મધ્યાહન ભોજન સંદર્ભે નાના બાળકો પ્રભાવિત થયા છે.

. GPSC-UPSC-સ્ટાફ સિલેકશન-ગૌણ સેવા મંડળ સહિતની તમામ કોમ્પીટીટીવ એકઝામ્સને અસર થશે. પરિણામે નવી ભરતી પ્રક્રિયા પોસ્ટપોન્ડ થશે.

. ઘણા વિષયોમાં Ph.D. વાયવા ડીસ્ટર્બ થશે.

. નવું શૈક્ષણિક સત્ર (નવી ટર્મ) શરૂ થવાની તારીખમાં તથા ટાઇમ ટેબલમાં ફેરફારની શકયતા. લેઇટ પણ થઇ શકે.

. હાલમાં મિનિવેકેશન ગણીને અમુક શિક્ષકો-પ્રોફેસર્સ કોઇ કારણસર વર્ક ફ્રોમ હોમ સંદર્ભે એકટીવ નથી. માટે વિદ્યાર્થીઓ પણ અભ્યાસથી દૂર થશે.

(3:56 pm IST)