Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોનાની રસી શોધવા એક ટીમની જેમ કામ કરી રહ્યા છે દિગ્ગજોઃ વૈજ્ઞાનિકો, રિસર્ચરો અને સોફટવેર ડેવલપર્સ પર સમસ્ત વિશ્વની આશા

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને મેડીકલ રિસર્ચરો એક સાથે મળીને તેની સામે લડવા માટે આગળ આવ્યા છે. તેમાંથી કેટલાક લોકો વર્ષોથી મેડીકલ રિસર્ચ સાથે સંકળાયેલા છે. તો કેટલાકે હાલના સમયમાં કેટલીય ઘાતક બિમારીઓને રોકવામાં સક્રિય ભૂમિકા નિભાવી છે. આવો જાણીએ આવા જ કેટલાક વૈજ્ઞાનિકો અને મેડીકલ રિસર્ચરો વિષે જે અત્યારે કોરોનાના ખાત્મા માટે વિશ્વની આશાના કિરણરૂપ છે.

સાન ફ્રાન્સીસ્કોની કેલિફોનિયા યુનિવર્સિટીની એનેસ્થેસીયા અને મેડીસીન વિભાગની ૪૬ વર્ષની પ્રો. કેરાલાઇન કેલ્ફી શ્વસન તંત્રની બિમારી (એઆરડીએસ)ની નિષ્ણાંત છે. તે અત્યારે નિષ્ણાંતોની આ ટીમનું નેતૃત્વ કરી રહી છે. તેમની ટીમએ જાણવાની કોશીષ કરી રહી છે કે આપણી પ્રતિરોધક શકિત આ વાયરસના હુમલાનો સામનો કેવી રીતે કરે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના ૭૧ વર્ષના મહામારીના વિશેષજ્ઞ પ્રોફેસર આર્ટ રેનગોલ્ડ કોવિદ-૧૯ના પ્રકોપ દરમ્યાન ડેટા કલેકશન અને સંક્રમિત દર્દીઓની ભાળ મેળવવાનું કામ કરી રહ્યા છે. તેમના અભ્યાસથી એ જાણી શકાય છે કે ન્યુમોનિયનો ઉપચાર કરાવી ચૂકેલા કેટલા લોકોને કોરોના સંક્રમણનું જોખમ છે અથવા તો સંક્રમિત થઇ ચુકયા છે.

સાન ફ્રાન્સીસ્કો જનરલ હોસ્પીટલમાં સંક્રમણ રોગોનાં નિષ્ણાંત ૪૮ વર્ષીય ડોકટર એની લ્યુકીમિયર કલીનીકલ ટ્રાયલની નિષ્ણાંત છે. તેમણે હાલમાં જ કેટલાક રિસર્ચરોએ બનાવેલ એન્ટીવાયરલ દવાઓનું સફળ પરિક્ષણ કર્યું છે. આ દવાઓ અંગે ખુદ ટ્રમ્પે પણ દાવો કર્યો છે કે તે કોવિદ-૧૯નો સંભવિત ઇલાજ હોઇ શકે છે.

સ્ટેન ફોર્ડ યુનિવર્સિટીના મેડિકલ વિભાગના સંક્રમણ રોગોની સીનીયર ડોકટર વોને માલ્ડોનાડો એક મહામારી નિષ્ણાંત પણ છે. તેણે સાર્સ કોવિદ -૨ પર કરવામાં આવેલા ૪૦ અભ્યાસમાં ભાગ લીધેલ છે. તેનો અનુભવ કોરોનાનો ઇલાજ શોધવામાં બહુ મહત્વ પૂર્ણ છે. તેમણે હાલમાં જ એક રિસર્ચ પુરૂ કર્યું છે. જેમાં લોકો પોતાના નાકથી શ્વાસ લઇને પોતે જ ટેસ્ટ કરી શકે છે. આ લોકો ઉપરાંત આ ટીમમાં સીનીયર ડોકટરો, મેડીકલ રિસર્ચરો, વૈજ્ઞાનિકો, સંક્રમણ રોગ નિષ્ણાંતો સોફટવેર ડેવલપર્સ અને પબ્લિક ઓપીનીયન નિર્માતાઓ પણ સામેલ છે.

(3:54 pm IST)