Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

માસ્ક ઉપર કોરોના વાયરસ એક સપ્તાહ સુધી જીવિત રહે છે

ચીનના વૈજ્ઞાનિકે વિવિધ સપાટી પર કોરોના કેટલો સમય જીવિત રહે છે તેનો અભ્યાસ કર્યો

બેઈજિંગ, તા.૭: કોવિડ ૧૯ના વૈશ્વિક સ્તરે વધી રહેલા પ્રકોપને પગલે સાવચેતી રાખવા લોકો માસ્ક પેહેરીને સંક્રમણથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ માસ્કની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે લેસેન્ટ જર્નલમાં માસ્કને લગતું એક ચોંકાવનારું તારણ ચીનના વૈજ્ઞાનિકે જાહેર કર્યું છે. વૈજ્ઞાનિકના મતે કોરોના વાયરસ માસ્ક ઉપર એક સપ્તાહ સુધી જીવિત રહી શકે છે. આ ઉપરાંત બેન્ક, કરન્સી નોટ અને કાંચ ઉપર પણ મહામારી ફેલાવતો આ ખતરનાક વાયર ચાર દિવસ સુધી જીવિત રહેતો હોવાનું જણાયું છે. સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર પણ આ વાયરસ ચારથી સાત દિવસ સુધી ટકી રહે છે. હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે.

અભ્યાસમાં સંશોધકોએ એ જાણવા પ્રયાસ કર્યો હતો કે કોરોનાનો જીવલેણ વાયરસ સામાન્ય તાપમાનમાં કાંચ, નોટ, માસ્ક, લાકડું, કપડું જેવી વિવિધ સપાટી પર કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. અભ્યાસમાં જણાયું હતું કે લાકડાની બનાવટવાળી વસ્તુઓ અથવા રોજબરોજના કપડા પર વાયરસ એક દિવસ સુધી જીવિત રહી શકે છે.

હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ કોરોના વાયરસનો ખૂબ સરળતાથી ખાત્મ બોલાવી શકાય છે. દ્યરમાં ઉપયોગમાં લેવાતા હેન્ડવોશ લિકિવડ, બ્લીચ અથવા સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાથી આ વાયરસનો નાશ કરી શકાય છે. નિષ્ણાતોના મતે એન૯૫ માસ્ક પણ દ્યણું ઉપયોગી થઈ શકે છે અને એટલા માટે કોરોના વાયરસમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે.

અભ્યાસ મુજબ સાધારણ અથવા સર્જિકલ માસ્ક વાયરસના ટ્રાન્સમિશનને રોકી શકતા નથી. એટલા માટે જ વિશ્વમાં એન૯૫ માસ્કનું વેચાણ દ્યણું ઝડપથી વધ્યું છે અને અનેક સ્થળે તેની અછત પણ સર્જાઈ છે. એન૯૫ માસ્કમાં છ સ્તર હોય છે જે માઈક્રો બેકટેરિયા અને વાયરસને અંદર પ્રવેશતા રોકે છે. સ્વસ્થ વ્યકિતએ માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. જયારે કોઈ બીમાર વ્યકિતની મુલાકાત લેતા હો અથવા તેમની સેવામાં કાર્યરત હો તો જ તમારે માસ્ક પહેરવું જરૂરી બને છે.

(3:51 pm IST)