Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોનાઃ સરકારે ૧૨ જરૂરી દવાઓ અને ૧૨ એકટીવ ફાર્મા ઈનગ્રેડિયન્ટની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિએ જે દવા માંગી છે તેના પરનો પ્રતિબંધ ચાલુ

નવી દિલ્હી, તા. ૭ :. સરકારે ૧૨ જરૂરી દવાઓ અને ૧૨ એકટીવ ફાર્માસ્યુટીકલ ઈનગ્રેડિયેન્ટ (એપીઆઈ)ની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. પેરાસીટામોલ ઉપરનો પ્રતિબંધ ચાલુ રહેશે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિએ વડપ્રધાન મોદીને ફોન કરી કોરોનાના ઈલાજમાં ઉપયોગી મેલેરીયાની જે દવા કલોરોકવીનની નિકાસનો અનુરોધ કર્યો છે તેના ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી.

જે દવાઓની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો છે તેમા ટીનીડાજોલ, મેટ્રાનીડાજોલ, એસીકલોવીર, વિટામીન બી૧, વિટામીન બી૬, વિટામીન બી૧૨, કલોરમફેનીકોલ સામેલ છે. સરકારે બહાર પાડેલા પરીપત્ર મુજબ સરકારે વિટામીન બી૧ અને બી૧૨ સહિત ૨૪ ફાર્મા સામગ્રીઓ અને દવાઓ ઉપર નિકાસના પ્રતિબંધોમાં છૂટછાટ આપી છે.

સરકારના પરિપત્ર મુજબ પેરાસીટામોલ અને પેરાસીટામોલથી બનેલી અન્ય દવાઓની નિકાસ પર પ્રતિબંધ પહેલાની જેમ ચાલુ રહેશે.

વિદેશ વ્યાપાર મંત્રાલયે ૩જી માર્ચે ૨૬ દવા સામગ્રીઓ અને તેની આનુશંગીક દવાઓના નિકાસ પર પ્રતિબંધ મુકયો હતો. આ દવાઓના ઉત્પાદન મોટા ભાગે ચીનથી આવતા કાચા માલ પર નિર્ભર હતો. કાચો માલ આવતો બંધ થયો તો તેની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો કે જેથી અછત ન થાય.

હવે એવુ લાગે છે કે ચીનથી કાચો માલ આવવો શરૂ થઈ રહ્યો છે તેથી સરકારે નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. કોરોનાથી પ્રભાવિત યુરોપ અને અમેરિકામાં તેની ઘણી ડિમાન્ડ છે.(૨-૩)

(10:37 am IST)