Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉનમાં દારૂ નહીં મળતા પી લીધું વાર્નિશઃ ૩ના મોત

ત્રણેય લોકો દારૂડિયા હતા અને લોકડાઉનના કારણે દારૂ નહીં મળતા તેઓ પરેશાન હતા

ચેન્નઈ, તા.૭: કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં તમિલનાડુ રાજયમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં લોકડાઉનના કારણે દારૂ નહીં મળવાના કારણે ૩ લોકોએ પેઈન્ટ વાર્નિશ પી જતા તેઓની તબિયત લથડી હતી. જયારે આ ત્રણેય લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ઈલાજ દરમિયાન તેમના મોત નીપજયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણેય લોકો દારુડિયા હતા અને લોકડાઉનના કારણે દારૂ નહીં મળતા તેઓ પરેશાન હતા. તેમણે દારૂ મેળવવા માટે દ્યણાં નિષ્ફળ પ્રયાસ કર્યા અને આખરે પાણીમાં પેઈન્ટ વાર્નિશ (એ પ્રકારનું એક પ્રવાહી) મિકસ કરીને પી લીધું. ત્યારબાદ આ ત્રણેય લોકોને ઊલટી થઈ અને તેઓને ઈલાજ માટે નજીકની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પણ, ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું.

અહીં ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે દિલ્હીમાં દારૂની દુકાનમાં ચોરીની દ્યટના બની હતી. જયાં ચોર દુકાનનું શટર તોડીને દારૂનો સમગ્ર સ્ટોક ચોરી ગયા હતા. આ સિવાય કેરળમાં પણ દારૂની લતના કારણે ૯ લોકોના મોતના સમાચાર જાણવા મળ્યા હતા.

(9:57 am IST)