Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મહેમાનગતિનો આવો બદલો ? ટ્રમ્પે ભારતને ધમકી આપી

કોરોના વાયરસના આક્રમણથી બેહાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેલેરિયાની દવા નહિ આપો તો હું જોઇ લઇશ એવી ધમકી આપીઃ ભારત હાઇડ્રોકસીકલોરોકવીન દવા નહિ આપે તો વળતી કાર્યવાહી કરશું : ધમકી આપતા ભારતમાં આપવામાં આવેલ માન-સમ્માન માથે પડયાનો સૂર

વોશિંગ્ટન તા. ૭ : કોરોના વાયરસના ફફડાટથી અમેરિકાની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે જો ભારત હાઈડ્રોકસીકલોરોકવીનનો પુરવઠો અમેરિકાને નહીં આપે તો ભારતને જોઈ લઈશું. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે જો ભારત મેલેરિયાની આ દવા પરથી નિકાસ પ્રતિબંધ નહીં ઉઠાવે તો અમે વળતી કાર્યવાહી કરીશું. હાઈડ્રોકસીકલોરોકવીનનો ઉપયોગ કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં કરવામાં આવી રહ્યો છે. અગાઉ યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ દવાનું કન્સાઈન્મેન્ટ અમેરિકાને આપવા ટેલિફોનિક વાતચીત કરી હતી.

વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યો છે અને હું સમજું છું ત્યાં સુધી ભારત આ આવશ્યક દવા ઉપરથી અમેરિકામાં નિકાસ માટે પ્રતિબંધ ના ઉઠાવે તેવું કોઈ કારણ નથી. ટ્રમ્પે જણાવ્યું કે 'મે આવું કયાયં નથી સાંભળ્યું કે આ તેમનો (પીએમ મોદી)નો નિર્ણય હતો. હું જાણું છું કે તેમણે આ દવાને અન્ય દેશોમાં નિકાસ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. મે તેમની સાથે કાલે વાત કરી હતી અને અમારી વાતચીત સારી રહી છે. ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યો છે.'

ટ્રમ્પે જણાવ્યું હતું કે પીએમ મોદી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અમેરિકાને દવાનો જથ્થો આપવા અંગે વિચાર કરશે. મે તેમને જણાવ્યું હતું કે જો ભારત યુએસને દવાનો જથ્થો પુરો પાડશે તો તેની અમે પ્રશંસા કરીશું. પરંતુ જો ભારત અમેરિકાને દવા આપવાની મંજૂરી નથી આપતું તે ઠીક છે પરંતુ નિશ્યિતરૂપે જવાબી કાર્યવાહી થઈ શકે છે અને આવું શા માટે ના થવું જોઈએ?

ટ્રમ્પે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સારા વેપારી સંબંધો છે અને સંકેત આપ્યો કે ભારત દવાની નિકાસ પરથી પ્રતિબંધ ના ઉઠાવે તો વળતી કાર્યવાહી કરીશું. મેલેરિયાની સારવાર માટે ઉપયોગી હાઈડ્રોકસીકલોરોકવીન દવાનો જથ્થો અમેરિકાએ માંગ્યો હતો. ભારત આ દવાના ઉત્પાદનમાં સૌથી મોખરાનો દેશ છે.

(11:45 am IST)