Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઓછું જોખમ ધરાવતા રાજ્યો - જિલ્લાઓમાં પ્રતિબંધો અંશતઃ ધોરણે ઉઠાવવાની વિચારણા

ઊંચું જોખમ ધરાવતા રાજ્યોમાં લોકડાઉન ૨૮ દિવસ લંબાવાય તેવી શકયતા

નવી દિલ્હી તા. ૭ : સરકાર તબક્કાવાર ધોરણે લોકડાઉન દૂર કરવા વિચારી શકે છે અને તે ઓછું જોખમ ધરાવતાં રાજયોમાં અને જિલ્લામાં પ્રતિબંધો અંશતઃ ધોરણે ઉઠાવવાના આયોજનનો અભ્યાસ કરી રહી છે.

આ ઉપરાંત કેસોની મહત્તમ સંખ્યા ધરાવતા વિસ્તારોમાં મહત્તમ અંકુશ લાદવા પણ વિચારી રહી છે. નીતિ આયોગના સભ્ય અને ગ્રૂપના ચેરમેન વિનોદ પૌલની આગેવાની હેઠળના જૂથે સુપરત કરેલા મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાનના ડ્રાફટ મુજબ ઊંચું જોખમ ધરાવતાં રાજયો અને જિલ્લામાં લોકડાઉન વધુ ૨૮ દિવસ લંબાવાઈ શકે છે. આ જૂથની રચના ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવી છે. ઇટી પાસે આ યોજનાની નકલ છે.

આ દસ્તાવેજમાં સૂચન કરવામાં આવ્યું છે કે રાજયોને કેસોની ગંભીરતાના આધારે ચાર વિવિધ કેટેગરીઓમાં વહેંચવાનો પ્રસ્તાવ છે. તેમાં સૌથી ખરાબ અસર પામેલાં રાજયોને ચોથા તબક્કામાં રાખવામાં આવશે.

આ પ્રકારના વિભાગીકરણનો આધાર છેલ્લા સાત દિવસમાં સક્રિય કેસોની સંખ્યા, સક્રિય કેસોનો ફેલાવો અને કેસોની ઘનતા છે. ૫૦થી વધુ સક્રિય કેસો ધરાવતા રાજયને કેટેગરી ચારમાં રાખવામાં આવશે. પાંચ કે તેથી વધુ સક્રિય કેસો અને છેલ્લા 'સાત દિવસમાં કોઈ પણ નવો કેસ ન નોંધાવનાર રાજયને કેટેગરી વનમાં રાખવામાં આવશે,' એમ દસ્તાવેજનું કહેવું છે.

વિનોદ પૌલે જણાવ્યું હતું કે સરકાર વિવિધ અભ્યાસો અને ભલામણો પર અભ્યાસ કરી રહી છે, પરંતુ તેણે એપ્રિલ ૧૪ પછીની સ્થિતિ માટે કોઈ નિર્ણય લીધો નથી. તેમણે જણાવ્યું હતું કે અમે વિવિધ વિકલ્પો પર મીટ માંડી રહ્યા છીએ અને લોકડાઉન જારી રાખવાનો કે ન જારી રાખવાનો નિર્ણય વિવિધ પરિબળોના આધીન રહીને તર્કબદ્ઘ ધોરણે લેવાશે. હાલમાં આ પરિબળોની સમીક્ષા કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે સોમવારે કેબિનેટ સેક્રેટરિયેટ, આરોગ્ય મંત્રાલય, બાયોટેકનોલોજી વિભાગ, પર્યાવરણ મંત્રાલય, એનડીએમએ, પીએમઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારતમાં કોરોના વાઇરસ વૃદ્ઘિ પામવામાં સફળ થાય તો શું થઈ શકે તેનો અભ્યાસ કરી રહ્યું છે અને તેના આધારે કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તેના અંગે નિર્ણય લેવાશે. અમે સારામાં સારી સ્થિતિથી લઈને ખરાબમાં ખરાબ સ્થિતિ તથા મધ્યમ ગાળાનો પણ અંદાજ મૂકી રહ્યા છીએ, તેના આધારે અંદાજો મૂકવામાં આવશે.

(9:56 am IST)