Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

અંબાણી ધમકી કેસમાં મોટો વળાંક : કારના માલિકના મોત પર ATSની મોટી કાર્યવાહી : હત્યાનો ગુનો દાખલ

વિમલા હિરેનની ફરિયાદને આધારે ખુનનો ગુનો દાખલ કરીને તપાસ શરુ: અજાણ્યા શખ્સોની સામે ગુનાહિત ષડયંત્ર, ખૂન, પુરાવાનો નાશ કરવાનો ગુનો

મુંબઈ : દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેટીનની સ્ટીક્સ સાથે મળેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનના રહસ્યમય મોત કેસમાં ખૂનનો ગુનો દાખલ કરાયો છે.

સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનની હત્યા થઈ હોવાનું તેની પત્ની વિમલા હિરેનને લાગુ રહ્યું છે.

મુંબઈ પોલીસ આ કેસની તપાસ આકસ્મિક મોત ગણીને તપાસ કરી રહી હતી પરંતુ વિમલા હિરેનની ફરિયાદને આધારે ખુનનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરાઈ છે

મુંબઈ એટીએસના અધિકારીએ જણાવ્યું કે અજાણ્યા શખ્સોની સામે ગુનાહિત ષડયંત્ર, ખૂન, પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કરાયો છે. ગત અઠવાડિયે થાણેની કલવા ખાડીમાંથી હિરેનને લાશ મળી આવતા ચકચાર મચી હતી.

શરુઆતમાં મુંબઈ પોલીસે આ કેસની તપાસ કરી હતી પરંતુ હવે એટીએસે તપાસનો કબજો સંભાળી લીધો છે.

હિરેનના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, હિરેનની લાશના ચહેરાની ડાબી બાજુએ, નસકારોના ઉપરના ભાગે તથા જમણી બાજુના ગાલ પર નજીવા ઉઝરડા દેખાયા હતા. રિપોર્ટમાં તેની પાંસળીઓ, માંસપેશીઓ, ફેફસા તથા પેરિકાર્ડિયમ અક્ષય હોવાનું જણાવાયું હતું પરંતુ મૃત્યુના કારણ અંગે કોઈ ફોડ પાડ્યો નથી.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મનસુખ હિરેને 2 માર્ચે મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને થાણે તથા મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને પોલીસ રક્ષણની માગણી કરી હતી. પોલીસ તેની પજવણી કરતી હોવાનો પણ મનસુખે આરોપ લગાવ્યો હતો

(10:31 pm IST)