Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ચીનનો નવો પેતરો :ભારતની સરહદ સુધી દોડાવશે હાઈસ્પીડ ટ્રેન:અરુણાચલ નજીક બનશે છેલ્લું સ્ટેશન

ચિંગહઈ-તિબેટ બાદ ચીન સિચુઆન-તિબેટ રેલ નેટવર્ક પર કામ કરશે.

નવી દિલ્હી: ચીનની 435 કિમી લાંબા રેલ કોરિડોર પર હાઈસ્પીડ બુલેટ ટ્રેન જુલાઈ મહિનાના અંત સુધીમાં અરુણાચલ પ્રદેશની સરહદ સુધી દોડવા લાગશે. ચીને તિબેટના લ્હાસા સુધી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી કરી લીધી છે. આ ટ્રેન ચીનના મોટાભાગના પ્રાંતોમાંથી પસાર થશે

ચીન લાંબા સમયથી ભારતીય સરહદ નજીક પોતાના માળખાને મજબૂત કરવા મથી રહ્યું છે. તેની દરેક ગતિવિધિ પર ભારત પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. ચીને આ પરિયોજનાની શરૂઆત 2014માં કરી હતી. તેની પ્રાથમિક યોજના પૂર્વ તિબેટના લ્હાસા સાથે ન્યિંગચીને જોડવાની હતી. રેલવે ટ્રેકનું કામકામ 2020ના અંત સુધીમાં પૂરુ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે, આ ટ્રેન કોરિડોર ન્યિંગચી સુધી બનાવવામાં આવ્યો છે. જે અરુણાચલ પ્રદેશની સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર છે

આ હાઈસ્પીડ બુલેટ ટ્રેનની ખાસિયત એ છે કે, તેને વીજળી સાથે ઈંધણથી પણ ચલાવી શકાશે. આ ટ્રેન લગભગ 160 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડશે. ચીન પોતાના સરહદી વિસ્તારોની સાથે જ સમગ્ર દેશમાં રેલવેનું નેટવર્ક પાથરવાનું કામ ખૂબ જ ઝડપથી કરી રહ્યું છે. તેની યોજના 2025 સુધી 50 હજાર કિલી નવી રેલવે લાઈન પાથરવાની છે. તેણે 2020 સુધીમાં જ 37 હજાર રેલવે લાઈન પાથરવાનું કામ પૂર્ણ કરી લીધુ છે. આ લક્ષ્યાંક પૂરો થવા સાથે જ ચીનમાં હાઈ સ્પીડ ટ્રેન લગભગ 98 ટકા શહેરો સુધી પહોંચી જશે. ચીને પોતાના દેશમાં જે હાઈ સ્પીડ ટ્રેન ડેવલોપ કરી છે, તેને 160 થી 350 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડાવી શકાય છે.

ચિંગહઈ-તિબેટ બાદ ચીન સિચુઆન-તિબેટ રેલ નેટવર્ક પર કામ કરશે. જે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ચીનની 14મીં પંચ વર્ષીય યોજનામાં તિબેટથી દક્ષિણ એશિયા સુધી રસ્તો બનાવવાની યોજના છે. જેને આ વર્ષે જ શરૂ કરવામાં આવી રહ્યું છે

(7:34 pm IST)