Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

મમતા બેનર્જીના વિશ્વાસુ સાંસદ પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી પહેલાં મમતા બેનર્જીને મોટો આંચકો : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીએ કેસરિયો ખેસ ધારણ કર્યો

નવી દિલ્હી, તા. : એક સમયે મમતા બેનર્જીના વિશ્વાસુ કહેવાતા અને પૂર્વ રેલવે મંત્રી પણ રહી ચૂકેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાઈ ગયા છે. ત્રિવેદીનું ભાજપમાં જોડાઈ જવું મમતા બેનર્જી માટે વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફટકો માનવામાં આવે છે, કારણકે ત્રિવેદી સ્વચ્છ છબિ ધરાવતા નેતા છે.

આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ત્રિવેદીએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ક્ષણને 'સોનેરી' ગણાવતા તેમણે કહ્યું હતુ કે પોતે લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. નડ્ડાજી અને મારા દોસ્તો જાણે છે કે હું તેના માટે રાહ જોઈ રહ્યો હતો. મેં ક્યારેય વિચારધારા નથી છોડી. મારા માટે દેશ સૌથી સર્વોપરી છે. દરેકને વિશ્વાસ છે કે ભાજપ અને પીએમ મોદી દેશને સુરક્ષિત રાખશે.

બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પોતે ઝંપલાવશે કે કેમ તે સવાલનો જવાબ આપતા ત્રિવેદીએ કહ્યું હતું કે ચૂંટણી લડવાની થાય કે ના થાય તે અલગ વાત છે, પરંતુ એટલું ચોક્કસ છે કે તેઓ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે બંગાળે ટીએમસીને જાકારો આપી દીધો છે. બંગાળની જનતા વિકાસ ઈચ્છે છે, ભ્રષ્ટાચાર અને હિંસા નહીં. બંગાળ પરિવર્તન માટે તૈયાર છે. રાજકારણ રમત નહીં, પરંતુ ગંભીર બાબત છે, પરંતુ તેઓ (મમતા બેનર્જી) રમતમાં પોતાના આદર્શ ભૂલી ગયાં.

જેપી નડ્ડાએ દિનેશ ત્રિવેદીને ભાજપમાં આવકારતા જણાવ્યું હતું કે તેઓ એક ખોટા પક્ષમાં રહેલા સાચા વ્યક્તિ હતા, પરંતુ હવે તેઓ સાચા પક્ષમાં આવી ગયા છે. દિનેશ ત્રિવેદીએ ૧૨ ફેબ્રુઆરીના રોજ બજેટ સેશનમાં રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું ધરી દીધું હતું, અને પોતે બંગાળમાં થતાં હિંસાચારથી વ્યથિત હોવાનું જણાવ્યું હતું અને સાથે બંગાળ તેમજ દેશના લોકો માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી. પ્રશાંત કિશોરના નામનો ઉલ્લેખ કર્યા વિના દિનેશ ત્રિવેદીએ ટીએમસીમાં પીકેના વધતા જતાં વર્ચસ્વનો પણ વિરોધ કર્યો હતો.

મૂળ ગુજરાતના પરંતુ બંગાળમાં વસેલા દિનેશ ત્રિવેદીના મમતા બેનર્જી સાથેના સંબંધ પણ ચઢાવ-ઉતાર ભર્યા રહ્યા હતા. ૨૦૧૨માં તેમણે રેલવે મંત્રી તરીકે બજેટમાં ભાડાંમાં વધારો કરતાં મમતા બેનર્જી ખફા થયા હતા, અને તેમણે ત્રિવેદીને રાજીનામું આપવા માટે ફરજ પાડી હતી. પ્રશાંત કિશોરના વધતા વર્ચસ્વ અંગે ત્રિવેદીએ એવી કૉમેન્ટ કરી હતી કે ચૂંટણીની એબીસીડી ના જાણનારા કોર્પોરેટ પ્રોફેશનલ પક્ષ ચલાવી રહ્યા છે, અને મારા નેતા બની બેઠા છે. આવી સ્થિતિમાં કોઈ શું કરે?

(12:00 am IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસ્તા 11 માર્ચથી 4 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કરવામાં આવશે. રોજિંદુ જીવન સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સામાન્ય રહેશે. પરંતુ અઠવાડિયાના છેલ્લા બે દિવસ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:36 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST

  • ચાઈનાને ડહાપણની ડાઢ ફૂટી : ચીન ના વિદેશ પ્રધાને એક નિવેદન આપતા કહ્યું કે "ચીન અને ભારત એક બીજાના સારા મિત્રો અને સાથીદારો છે, એકબીજા માટે જોખમી કે હરીફ નથી" access_time 9:56 pm IST