Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

અધધધ... ૬૫ લાખ રૂપિયામાં વેંચાયુ ૧ કબુતર

ઈરાકમાં કબુતરોની રેસનો જબરો ક્રેઝઃ કબુતરોની રેસ પર હજારો-લાખો ડોલર દાવ પર લાગતા હોય છેઃ તાજેતરમાં એક કબુતર ૯૩૦૦૦ ડોલરમાં વેંચાયુઃ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત ઉપજી

નવી દિલ્હી, તા. ૭ :. તમે મરઘાની લડાઈ અને બાજની રેસ સહિત પશુ-પક્ષીઓની હરીફાઈ અંગે વાંચ્યુ હશે અને સાંભળ્યુ હશે, પરંતુ ઈરાકમાંં કબુતરોની રેસ યોજાઈ રહી છે. અહીં લોકો કબુતરોની રેસ પાછળ હજારો-લાખો ડોલર દાવ ઉપર લગાડે છે. કબુતરોનંુ અપહરણ કરી ખંડણી માંગવાના કેસ પણ બહાર આવી રહ્યા છે.

કબુતરોની રેસ બગદાદથી ૧૦૦ માઈલ દક્ષિણમાં એક મેદાનમાં યોજાતી હોય છે. અહીં એક ડઝન ટ્રક ભરીને કબુતરો હરીફાઈમાં ભાગ લેવા આવે છે. સુરજના પહેલા કિરણ સાથે રેસ શરૂ થાય છે. જેમાં ૧૪૦૦૦ કબુતરો ભાગ લે છે અને જ્યારે તેઓ રેસ જીતવા માટે બગદાદની તરફ ઉડાન ભરે તો ૨૮૦૦૦ પાંખોથી આસપાસની હવાની ગતિ વધી જાય છે.

આ રેસ ઓકટોબરથી માર્ચ દરમિયાન યોજાતી હોય છે. રેસમાં ભાગ લેતા કબુતરોને ૬ મહિનાની ટ્રેનીંગ આપવામાં આવે છે. આ કબુતરો  પાંખ ફેલાવા તો તેના પર હજારો ડોલર ખર્ચ કરનાર લોકોની ઉમ્મીદ સાતમા આસમાને પહોંચી જાય છે.

રેસમાં સામેલ થનાર આ કબુતરો ૬૦૦ માઈલની સફર કરતા હોય છે. યુરોપીય પ્રજાતિના આ કબુતરોની ઝડપ ૯૦ માઈલ પ્રતિ કલાક હોય છે. રેસ જીતનાર કબુતરોને ૪૦૦૦ ડોલર અપાય છે. થોડા સમય પહેલા બસરામાં રેસ જીતનાર એક કબુતર ૯૩૦૦૦ ડોલર કે ૬૫ લાખની કિંમત પર વેંચાયુ હતુ. જે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે.

આ કબુતરોને પ્રતિ સીઝન રેસ જીતવા માટે લગભગ ૧૦૦ ડોલરનો પૌષ્ટીક ચારો આપવામાં આવે છે. કબુતરોની રેસ અહીં ભારે પ્રચલીત છે.

(10:07 am IST)