Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ટીવી ખરીદવાનું હોય તો ઉતાવળ રાખજો, ભાવ વધવાના છે

ટીવીના ભાવમાં ૩૦૦ રૂપિયાથી લઇને ૨,૦૦૦ રૂપિયાનો વધારો થશે

નવી દિલ્હી તા. ૭ : કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં LED ટીવી પેનલ્સ અને તૈયાર ટીવીની આયાત ડ્યૂટીમાં વધારો કર્યો છે. જેને લઈને એક મહિના બાદ સેમસંગ અને પેનાસોનિક જેવી ટીવી બનાવતી કંપનીઓ ટીવીના ભાવમાં ૬ ટકા વધારો કરશે. જેને લઈને ટીવીની સ્ક્રીન સાઇઝ અનુસાર ટીવીના ભાવમાં ૩૦૦ રૂપિયાથી લઇને ૨,૦૦૦ રૂપિયા સુધીનો વધારો થશે.

બીપીએલ, કોડક અને સેનાયો જેવી કંપનીઓએ પણ ટીવીના ભાવમાં વધારો કર્યો. મહિનાના અંત સુધીમાં જયારે નવા ટીવી માર્કેટમાં આવશે ત્યારે આ કંપનીઓના ટીવી મોંઘા હશે. મહત્વનું છે કે આ કંપનીઓ મુખ્યત્વે ઓનલાઇન વેચાણ કરે છે અથવા તો ઓનલાઇન વેચાણ પર વધુ ધ્યાન આપે છે. આ કંપનીઓ મોટાભાગે ટીવી આયાત કરે છે. કોડેકે ટીવીની કિંમત પર ૧૦ ટકા તેમજ બીપીએલ અને સેનાયોએ ટીવીની કિંમતમાં ૫-૬ ટકાનો વધારો કર્યો છે.

પેનાસોનિક ઇંડિયાના સીઇઓ મનીષ શર્માએ જણાવ્યું કે, 'ટેકસમાં વધારો થયા પછી ટીવીની વેચાણ કિંમત વધારવા સિવાય તેમની પાસે કોઇ રસ્તો નહોતો. કિંમત વધારાની અસર ટીવીના વેચાણ પર પણ દેખાશે'. તેમણે એમ પણ કહ્યું કે, કંપનીએ ટીવી કિંમતમાં ૩થી ૬ ટકાનો વધારો કર્યો છે, આ વધારો મુખ્યત્વે મોટી સ્ક્રીનવાળા ટીવીમાં છે.

સરકારે તૈયાર ટીવી સેટ્સની આયાત ડ્યૂટીમાં ૨૦ ટકા વધારો કર્યો, જયારે રેડી ટુ એસેંબલ ફોર્મેટના એલઈડી ટેલિવિઝન પેનલોની આયાત ડ્યૂટીમાં ૧૫ ટકાનો વધારો કર્યો છે. ઓપન સેલ ટેલિવિઝન પેનલ પર ૧૦ ટકા વધારાની નવી કિંમત લાગૂ થશે. ઓપન સેલ પેનલ્સને લોડ કરતા વખતે જ એસેંબલ કરાય છે. છેલ્લા બે મહિનાથી સેમસંગ, એલજી અને પેનાસોનિક જેવી ટીવી કંપનીઓ ટીવી તૈયાર કરવા આ જ રીત અપનાવી રહી છે.

(3:45 pm IST)