Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મુકેશ અંબાણી ભારતના, એમેઝોનના જેફ દુનિયાના સૌથી ધનવાન વ્યકિત

ભારતમાં ૧૨૧ અબજપતિઃ મુકેશ અંબાણીની સંપત્તિ ૧ વર્ષમાં ૧૬.૯ અબજ ડોલર વધી : સાવિત્રી જિંદાલ સૌથી ધનવાન મહિલાઃ પેટીએમના સ્થાપક સૌથી યુવા બિલિયોનરઃ સૌથી વધુ બિલિયોનર્સ ફાર્મા સેકટરના

ન્યૂયોર્ક તા. ૭ : ફોર્બ્સ મેગેઝીને આ વર્ષના સૌથી ધનવાન લોકોની યાદી પ્રસિદ્ઘ કરી દીધી છે, જેમાં આ વર્ષે પણ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યકિત બની રહ્યા છે. ભારતમાં ૨૦૧૮માં ૧૨૧ બિલિયોનર્સ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીમાં દેશમાં અબજપતિઓની સંખ્યામાં ૧૯નો વધારો થયો છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં એક વર્ષમાં ૧૬.૯ અબજ ડોલરનો વધારો થયો છે, અને તેઓ ૪૦.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનવાન વ્યકિત બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે મુકેશ અંબાણી દુનિયાના ૧૯મા સૌથી ધનવાન વ્યકિત છે. ૨૦૧૭માં તેઓ દુનિયાના ૩૩મા સૌથી ધનિક વ્યકિત હતા.

૨૦૧૮માં ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ અબજોપતિઓ ધરાવતો દેશ બની ગયો છે. આ વર્ષે ૫૮૫ અબજપતિઓ સાથે અમેરિકા દુનિયાનો સૌથી વધુ બિલિયોનર્સ ધરાવતો દેશ બન્યો છે, જયારે ૩૭૩ બિલિયોનર્સ સાથે ચીન આ મામલે બીજા નંબરે છે. દુનિયામાં ૨૦૧૮માં અબજોપતિઓની સંખ્યા ૨૨૦૮ હોવાનું ફોર્બ્સે જણાવ્યું છે.

આ વર્ષે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ દુનિયાના સૌથી ધનવાન વ્યકિત બન્યા છે. જેમની સંપત્તિનું મૂલ્ય ૧૧૨ અબજ ડોલર થાય છે. જેફે ગયા વર્ષના સૌથી ધનવાન વ્યકિતઓ બિલ ગેટ્સ (૯૦ અબજ ડોલર) અને વોરેન બફેટ (૮૪ બિલિયન ડોલર)ને પણ આ વર્ષે પાછળ છોડી દીધા છે. એટલું જ નહીં, તેઓ ૧૦૦ બિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા દુનિયાના પહેલા વ્યકિત છે. તેમની સંપત્તિના મૂલ્યમાં એક જ વર્ષમાં ૩૯.૨ અબજ ડોલરનો જંગી વધારો થયો છે.

ભારતની વાત કરીએ તો, આઈટી સેકટર સાથે સંકળાયેલા અજીમ પ્રેમજી બીજા સૌથી ધનવાન ભારતીય બન્યા છે. તેમની સંપત્તિનું મૂલ્ય ૧૮.૮ બિલિયન ડોલર થાય છે. દુનિયામાં તેમનો ક્રમાંક ૫૮મો છે. જયારે, તેમના પછી ત્રીજા નંબરે લક્ષ્મી મિત્તલ આવે છે, જેઓ ૧૮.૫ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. ફોર્બ્સની યાદીમાં સૌથી ધનવાન ભારતીય મહિલા તરીકે સાવિત્રી જિંદાલને સ્થાન અપાયું છે, જેઓ ૮.૮ અબજ ડોલરના માલિક છે.

સોફટવેર કંપની એચસીએલના સ્થાપક શિવ નાદાર ચોથા સૌથી ધનિક ભારતીય છે, જેઓ ૧૪.૬ અબજ ડોલરની સંપત્તિના માલિક છે. જયારે, ૩૯ વર્ષના ફાઈનાન્શિયલ ટેકનોલોજી આંતરપ્રેન્યોર અને પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા સૌથી યુવાન બિલિયોનેર બન્યા છે. તેઓ ૧.૭ બિલિયન ડોલરના માલિક છે.

સન ફાર્માના સ્થાપક દિલિપ સંઘવીને પાંચમા સૌથી ધનિક ભારતીય જાહેર કરાયા છે, જેઓ ૧૨.૮ અબજ ડોલરની સંપત્તિના માલિક છે. ભારતના સૌથી વધુ અબજપતિઓ ફાર્માસ્યૂટિકલ સેકટર સાથે સંકળાયેલા છે, અને તેમની સંખ્યા ૧૬ સુધી પહોચે છે. જયારે કન્ઝયુમર ગુડ્સના બિઝનેસ સાથે સંકળાયેલા ૧૫ લોકો અબજપતિ છે. રિયાલિટી સેકટરમાં પણ તગડી કમાણી કરી નવ લોકો અબજપતિ બન્યા છે.

ટોપ ૧૦ ધનવાન ભારતીયો

૧.  મુકેશ અંબાણી (૪૦.૧ અબજ ડોલર, પેટ્રોકેમિકલ્સ, ઓઈલ અને ગેસ)

૨.  અઝીમ પ્રેમજી (૧૮.૮ અબજ ડોલર, સોફટવેર સર્વિસ)

૩.  લક્ષ્મી મિત્તલ (૧૮.૫ અબજ ડોલર, સ્ટીલ)

૪  શિવ નાદાર (૧૪.૬ અબજ ડોલર, સોફટવેર સર્વિસ)

૫.  દિલિપ સંઘવી (૧૨.૮ અબજ ડોલર, ફાર્મા)

૬.  કુમાર બિરલા (૧૧.૮ અબજ ડોલર, કોમોડિટી)

૭.  ઉદય કોટક (૧૦.૭ અબજ, બેન્કિંગ)

૮.  રાધાક્રિશ્ન દામાણી (૧૦ અબજ ડોલર, ઈન્વેસ્ટમન્ટ, રિટેઈલર)

૯.  ગૌતમ અદાણી (૯.૭ અબજ ડોલર, કોમોડિટીઝ, પોર્ટ્સ)

૧૦.    સાયરસ પુનાવાલા (૯.૧ અબજ ડોલર, વેકિસન

(3:44 pm IST)