Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

કાટમાળમાં બાળકને જન્‍મ આપી માતાનું નિધન

ચોતરફ વિનાશ વચ્‍ચે કુદરતે ફૂલ ખીલવ્‍યું

નવી દિલ્‍હી,તા.૭: તુર્કીયેમાં જાણે કુદરતનો કાળો કહેર વર્તી રહ્યો હોય તેમ એક બાદ એક ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ દરમ્‍યાન તુર્કીયેથી જે દ્રશ્‍યો સામે આવી રહ્યા છે તે ખરેખર હ્રદય હચમચાવી દે તેવા છે. તુર્કીયેમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા ૫.૯ હતી. આ પહેલા સોમવારે તુર્કીયેમાં ત્રણ જોરદાર ભૂકંપ આવ્‍યા હતા. આમાંથી પહેલો ભૂકંપ સવારે ૪ વાગે ૭.૮ની તીવ્રતા સાથે આવ્‍યો હતો. તે સૌથી વધુ પાયમાલનું કારણ બન્‍યું. આ પછી ૭.૫ અને ૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો.તુર્કીયેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૦૦ લોકોએ જીવ ગુમાવ્‍યા છે.ᅠ

તુર્કીયેમાં ભૂકંપ બાદ જયાં જુઓ ત્‍યાં તારાજીના દ્રશ્‍યો સર્જાયા છે. જેના કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયોમાં ગર્ભવતી મહિલાએ તેના બાળકને જન્‍મ બાદ તરત જ માતાનું મોત અને બીજા વિડીયોમાં બે વર્ષનો બાળક કાટમાળ નીચે દટાયો હોવાના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. જે બાળક માતાપિતાના ખોળામાં રમતું હતું તે અચાનક ભૂકંપના કારણે તે પણ જીવન-મરણ વચ્‍ચે ઝોલાં ખાતો દેખાતો હતો.ᅠ

જે સમયે તુર્કીયેમાં ભૂકંપ આવ્‍યો હતો તે સમયે એક ગર્ભવતી મહિલા કાટમાળ નીચે દટાઈને તેના જીવન માટે લડી રહી હતી. જોકે ગર્ભવતી મહિલાને તે જ સમયે પેટમાં દુખાવો થયો હતો. જે ક્ષણની નવ મહિનાથી આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે ક્ષણ એટલી ભયાનક બની જશે કે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. મહિલાએ જમીનની નીચે એક નવજાતને જન્‍મ આપ્‍યો હતો. બાળકનો જન્‍મ થયો તે ક્ષણે તેની માતા સીરિયાના અલેપ્‍પોમાં ભૂકંપના કાટમાળ નીચે હતી. જન્‍મ લીધા પછી બાળકનો પ્રથમ અવાજ સંભળાયો અને તે મૃત્‍યુ પામી હતી.ᅠ

આ તરફ અન્‍ય એક વીડિયોમાં બે વર્ષનો બાળક કાટમાળ નીચે દટાયેલો છે. તેની બૂમો સાંભળતા જ રેસ્‍ક્‍યુ ટીમ તેને બચાવવા દોડી ગઈ હતી. તે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્‍યું છે. જો કે તે લોહીથી લથપથ હતો. જે બાળક કાલ સુધી માતા-પિતાના ખોળામાં રમતું હશે, આજે તે જીવન-મરણની લડાઈ લડી રહ્યું હતું. તે કોઈ બીજાના ખોળામાં છે, તે પોતાનો જીવ બચાવવા દોડી રહ્યો છે. તે બોલી શકતો નથી. નહીંતર પિતાને પૂછ્‍યું જ હોત કે આ ભૂકંપ શું છે? તે પપ્‍પાને પૂછી લેત મને લઈ ભાગી રહેલા આ કાકા કોણ છે?

તુર્કીયેમાં ભૂકંપને કારણે દ્રશ્‍ય એવું છે કે જયાં જુઓ ત્‍યાં માત્ર મૃતદેહો જ દેખાય છે. કફન વિનાના આ મૃતદેહો પણ પોતાના પ્રિયજનોની શોધમાં છે. તુર્કીનું દ્રશ્‍ય એટલું ભયાનક છે કે, તેના વિશે લખવું કોઈ કવિ, લેખકની ક્ષમતામાં નથી.. આ એક નાનકડું જીવન હતું, જેની સામે આખી જિંદગી પડી હતી. લોહીમાં લથબથ વ્‍યક્‍તિઓની પીડા એટલી તીવ્ર છે કે તેની ચીસો પણ શાંત છે.

બિલ્‍ડિંગની નીચે દટાયેલા એક બાળકને બહાર કાઢીને એક વ્‍યક્‍તિ ભાગી રહ્યો છે. તેણીની નિર્દોષતા કોઈપણ હૃદયને ફાડી નાખશે. આ બાળકની ઉંમર ત્રણથી ચાર વર્ષની વચ્‍ચે છે. તેના માતા-પિતા વિશે કંઈ જાણી શકાયું નથી. તુર્કીમાં કુદરતનો પ્રકોપ એટલો ભયંકર હતો કે હજારો લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્‍યા હતા.

(4:08 pm IST)