Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સમગ્ર વિશ્વમાં આખા દિવસમાં ૭૮ ભૂકંપના આંચકા : ૪૬ તો ફકત સીરિયામાં

તુર્કીમાં લેવલ-૪નું એલર્ટ : મધ્‍ય-પૂર્વના ચાર દેશોમાંથી સૌથી વધુ વિનાશ તુર્કી અને સીરિયામાં : ૧૨ કલાકમાં ૭ની તીવ્રતાના બે ભૂકંપ

ઇસ્‍તાંબુલ તા. ૭ : મધ્‍ય પૂર્વના ચાર દેશો તુર્કી, સીરિયા, લેબેનોન અને ઈઝરાયેલ સોમવારે સવારે ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા. તેની નજીકના તુર્કી અને સીરિયામાં સૌથી વધુ તબાહી જોવા મળી રહી છે. તુર્કીમાં ૧૨ કલાકમાં ૭ની તીવ્રતાથી વધુના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોટી ઈમારતો જમીનદોસ્‍ત થઈ ગઈ. કાટમાળમાં દટાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે ચીસો પાડતા રહ્યા. વારંવારના આફટરશોક્‍સના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ૭.૮ની તીવ્રતાના પ્રથમ ભૂકંપનું કેન્‍દ્ર તુર્કીના કહરામનમારસ પ્રાંતના ગાઝિયનટેપ શહેરથી ૩૦ કિમી દૂર અને જમીનથી લગભગ ૨૪ કિમી નીચે હતું. સ્‍થાનિક સમય અનુસાર આ ભૂકંપ સવારે ૪.૧૭ કલાકે આવ્‍યો હતો. ૧૧ મિનિટ પછી ૬.૭ની તીવ્રતાનો બીજો આફટરશોક આવ્‍યો, જેનું કેન્‍દ્ર જમીનથી ૯.૯ કિમી નીચે હતું. આ પછી બપોરે ૧.૨૪ કલાકે ૭.૫ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ આવ્‍યો હતો.તે જ સમયે, સીરિયામાં સ્‍થાનિક સમય મુજબ સવારે ૪ વાગ્‍યાથી રાત્રે ૯ વાગ્‍યા સુધી ૫૦ થી વધુ ભૂકંપ આવ્‍યા હતા. જેમાંથી ચારની તીવ્રતા ૬થી વધુ હતી. જયારે ૫ થી ૬ ની તીવ્રતાના ૧૦ ભૂકંપ નોંધાયા હતા.સોમવારે સાંજે ૭ વાગ્‍યા સુધીમાં, સમગ્ર વિશ્વમાં ૭૮ ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી ૪૬ સીરિયામાં આવ્‍યા હતા. તુર્કી અને સીરિયામાં ઘણી મોટી ઈમારતો ધ્‍વસ્‍ત થઈ ગઈ છે. ભૂકંપ બાદ મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ દરમિયાન ઘણી જગ્‍યાએ કાટમાળ નીચેથી બૂમો પાડવાનો અવાજ આવતો રહ્યો. એક યુટ્‍યુબરે કાટમાળ નીચેથી પોતાનો વીડિયો મોકલીને જીવન માટે વિનંતી કરી.

 નેધરલેન્‍ડના સંશોધક ફ્રેન્‍ક હૂગરબીટ્‍સે ૩ ફેબ્રુઆરીએ જ કહ્યું હતું કે તુર્કી, જોર્ડન, સીરિયા અથવા લેબનોનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવશે. ફ્રેન્‍કનો દાવો સોમવારે વાયરલ થયો હતો જયારે તુર્કી અને સીરિયા સહિત પાંચ દેશોમાં વિનાશક ભૂકંપ આવ્‍યો હતો. આ સાથે એ સવાલ પણ સામે આવ્‍યો છે કે શું ભૂકંપની આગાહી કરી શકાય છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર ભૂકંપ એવા સમયે આવ્‍યો છે જયારે પમિ એશિયા બરફના તોફાનની ઝપેટમાં છે.

(3:36 pm IST)