Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

૭ મહિનાના બાળકના પેટમાં ઉછરી રહ્યું હતું બીજું બાળકઃ ડોકટર્સ પણ ચોંકયા

હજારો -લાખો બાળકોમાં આવો એક મામલો સામે આવતો હોય છે

પટના,તા.૭: બિહારના પટણા જિલ્લામાં પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં ડોકટર્સે એક ૭ મહિનાના બાળકના પેટમાંથી ૮ મહિનાનું મૃત ભ્રૂણ કાઢ્યું. આ ઘટનાથી ડોકટર્સ પણ હેરાન છે. ડોકટર્સનું કહેવું છે કે હજારો-લાખો બાળકોમાં આવો એક મામલો સામે આવતો હોય છે.

અહેવાલ મુજબ, એક મહિના પહેલા બિહારના બકસર જિલ્લામાં રહેતા મોહમ્મદ મોઈદ્દીને પોતાના ૬ મહિનાના બાળકને પેટમાં દુઃખાવો થતા પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના શિશુ વિભાગમાં એડમિટ કરાવ્યો, જે બાદ ડોકટર્સે તેનું સીટી સ્કેન કર્યું. સીટી સ્કેનમાં બાળકના પેટમાં ભ્રૂણ દેખાયું. બાળક ૬ મહિનાનું હતું આ માટે તેના ઓપરેશનની તૈયારી કરવામાં એક મહિનાનો સમય લાગ્યો. ગુરુવારે શિશુ વિભાગના ૪ ડોકટરોની ટીમે મળીને તેની સર્જરી કરી એક ૮ મહિનાના બાળકનું મૃત ભ્રૂણ બહાર કાઢ્યું.

હકીકતમાં બાળકના પેટમાં કોઈ વસ્તુ હતી અને ધીમે-ધીમે તે વધી રહ્યો હતો. બાળકને પેશાબ કરવામાં પરેશાની થઈ રહી હતી, ખાવામાં મુશ્કેલી આવી રહી હતી અને તે ધીમે-ધીમે કમજોર થઈ ગયો. આથી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો.

ડોકટર્સે ઓપરેશન કરવાની સલાહ આપી અને કહ્યું કે, ઓપરેશન બાદ જ સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. ડોકટર્સના કહેવા મુજબ, ૫૦ હજાર નવજાત બાળકોમાં આવો એક મામલો સામે આવતો હોય છે. તેને જન્મજાત બીમારી કહે છે. હાલમાં બાળકની હાલત સ્થિર છે.

પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના શિશુ સર્જન ડો. પ્રદીપ નંદને જણાવ્યું કે, બાળકને એક મહિના પહેલા એડમિટ કરાયો અને તેની સર્જરીની તૈયારી એક મહિના સુધી ચાલી. જયારે અમે તેને એડમિટ કર્યો ત્યારે માલુમ પડ્યું કે તેના પેટમાં કોઈ વસ્તુ છે. તે જાણવા માટે અમે બાળકનું સીટિ સ્કેન કરાવ્યું, જેમાં માલુમ પડ્યું કે તેની અંદર ભ્રૂણ છે. ભ્રૂણના હાથ-પગ બની ચૂકયા હતા, પરંતુ તે મૃત હતું.

(11:31 am IST)