Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કેપિટલ ગેઇન્સના પ્રિ-ફિલ્ડ ડેટા સાથેના IT રિટર્ન : કરચોરી રોકવાનો મૂળ હેતુ

જુલાઈના અંત સુધીમાં કરદાતાના મ્યુચ્યુઅલ ફંડ, શેરના વેચાણ, ડિવિડન્ડની રકમ પણ હવે આઈટી દ્વારા મેળવી લેવામાં આવશે

નવી દિલ્હી,તા.૭: કેન્દ્ર સરકાર દ્વારા પ્રિ-ફિલ્ડ આવકવેરા રિટર્ન ફોર્મ લાવવાની તજવીજ શરુ કરી દેવામાં આવી છે. પ્રિ-ફિલ્ડ આવકવેરા ફોર્મમાં કરદાતાના કેપિટલ ગેઈન્સના ડેટાની વિગતોને આવરી લેવામાં આવશે. જેના ભાગરૂપે જુલાઈના અંત સુધીમાં કરદાતાના મ્યુચ્યુઅલ ફંડ, શેરના વેચાણ, ડિવિડન્ડની રકમ પણ હવે આઈટી દ્વારા મેળવી લેવામાં આવશે. કેપિટલ ગેઇન્સમાં કરચોરી અટકાવવા આ તજવીજ હાથ ધરાઈ છે. આ ફોર્મના સંદર્ભે કેન્દ્ર સરકાર સંસદમાં ફાઇનાન્સ બિલ લાવીને ઈન્કમટેકસ એકટમાં સુધારો કરશે. જેના લીધે, કરદાતાના વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટમાં આ વિગતોનો સમાવેશ થશે.

આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, આ અંગે તેઓ જુદાજુદા પ્રકારની દલાલી, અન્ય બાબતો અમને મળી રહે તે માટે ચર્ચા કરી રહ્યા છે. જેના લીધે, કરદાતાને તકલીફ પડે નહીં. આ દાયરામાં ડિવિડન્ડની આવકનો સમાવેશ થાય તે માટે સેબી સાથે પણ ચર્ચા થઈ છે. ડિવિડન્ડની આવક પર જો ટીડીએસ રૂ. ૫૦૦૦થી વધુ હશે તો ૨૬અજ ફોર્મમાં નજરે પડશે અને તે પ્રિ-ફિલ્ડ આવકવેરા ફોર્મમાં મદદ રૂપ બનશે.

ડિવિડન્ડ પર ટીડીએસ અંગેના સૂચિત સુધારાનો હેતુ તમામ બેંક ખાતાઓના વહેવારોને આવરી લેવાનો છે અને આ હેતુસર પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરાશે. ગત વર્ષે સરકારે પ્રિ-ફિલ્ડ રિટર્ન માટેના ફોર્મનો અમલ કર્યો હતો, જો કે, તેમાં શરૂઆતમાં કેટલાક ટેકિનકલ ગુંચવાડા સર્જાયા હતા. પરંતુ, આવકવેરા વિભાગના મતે, આ મુદ્દાનો ઉકેલ આવશે અને તેનાથી આવકવેરાનો વ્યાપ વિસ્તારવા માટેનો માર્ગ મોકળો બનશે. આ પ્રકારની કવાયતનો હેતુ એ છે કે, કરદાતાઓ માટે આ ફોર્મ ભરવાનુ સરળ બને અને આ કામગીરી માટે કરદાતાઓએ સીએ પાસે જવાની જરૂર રહે નહીં.

કેન્દ્ર સરકારે બજેટમાં ટેકસ માટે નવુ માળખું બનાવ્યું છે. જેમાં, કરમુકિતનો લાભ જતો કરવો અને નીચા દરનો કરવેરો ભરવાની જોગવાઈ છે. જેનો હેતુ, કરદાતા પર કરબોજ હળવો કરવાનો છે.

(11:29 am IST)