Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઇડીનો ધડાકો

શાહિન બાગના તાર PFI સાથે જોડાયેલા આપ કોંગ્રેસના કેટલાક નેતાઓના નામ ઉજાગર

નવી દિલ્હી, તા.૭: નાગરિકતા સુધારા કાયદાનાં વિરોધમાં ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજયોમાં હિંસા અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધીઓને લઇને શંકાસ્પદ બનેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને લઇને ખુલાસો થયો છે, ઇડીનાં સૂત્રો અનુસાર PFIનું હેડકવાર્ટર દિલ્હીનાં શાહીન બાગમાં છે, જયાં પ્રદર્શનકારોની ગતિવિધીઓને લઇને લાખો રૂપિયા એકઠા કરવામાં આવે છે.

ઇડીનાં અધિકારીઓએ જાણકારી આપી છે કે, એવો પણ ખુલાસો થયો છે કે, PFIનાં અધ્યક્ષ મોહમ્મદ પરવેઝ અહેમદ સતત આમ આદમી પાર્ટીનાં નેતા સંજય સિંહ અને ઉદિત રાજ સહિત કોંગ્રેસનાં ઘણા નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આવો ખુલાસો દિલ્હી ચૂંટણી પ્રચારનાં છેલ્લા દિવસે જ થયો છે.

ઇડીનાં અધિકારીઓએ દાવો કર્યો છે કે, તપાસમાં એ બહાર આવ્યું છે કે, પરવેઝ અહેમદ માત્ર CAA વિરોધી ગતિવિધીઓમાં જ સામેલ નહતો, પરંતું આપ નેતા સંજય સિંહ સાથે અંગત મુલાકાત, ફોન કોલ, તથા વ્હોટ્સએપ ચેટ દ્વારા સંપર્ક રહ્યો હતો.

ઇડીએ ખુલાસો કર્યો છે કે, PFI સાથે જોડાયેલા ૭૩ બેંક ખાતામાં ૧૨૦ કરોડ રૂપિયા જમાં થયા છે, ૧૭ અલગ-અલગ બેંકોમાં તેનાં સમર્થકો છે અને મોટાભાગનાં રૂપિયા રોકડમાં લીધા છે. આ લોકો પર આરોપ છે કે, સમગ્ર જમા રકમની બે-તૃતિયાંસ પીએફઆઇનાં હેડકવાર્ટરમાં રોકડમાં આપી છે, આ હેડકવાર્ટર શાહીન બાગમાં છે, તેનાં પ્રાદેશિક કાર્યકર્તાઓ સમગ્ર દેશમાંથી એકઠા કરીને દિલ્હીનાં આ હેડકવાર્ટરમાં આપે છે.

કેન્દ્રીય ગૃહ વિભાગ હાલ ઉત્તર પ્રદેશ અને આસામ સરકાર દ્વારા તેનાં પર પ્રતિબંધ લગાવવાના સૂચન પર વિચાર કરી રહ્યું છે, દ્યણા PFI કાર્યકર્તાની CAAનાં વિરૂધ્ધ પ્રદર્શનોમાં હિંસાનાં આરોપમાં ધરપકડ થઇ છે.

ફકત ઉત્તર પ્રદેશમાં જ આવા ૧૦૦થી વધુ લોકોની ધરપકડ થઇ છે, ઉપરાંત આસામ, તમિલનાડુ, કેરળ અને રાજસ્થાનમાં પણ આવા મામલા નોંધાયા છે. ૪ ડિસેમ્બર ૨૦૧૯નાં દિવસે ગૃહ વિભાગે તમામ રાજયો પાસે તેનાથી સંકળાયેલા કેસની માહિતી માગી છે.

(10:16 am IST)