Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

દિલ્હી-એનસીઆરમાં સતત બીજા દિવસેય વરસાદ જારી

વરસાદ અને ઠંડા પવનથી તાપમાનમાં ઘટાડો થયો : ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કાતિલ ઠંડી હજુ પણ યથાવત કાશ્મીરમાં ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડી વધી

નવી દિલ્હી,તા. ૭ : દિલ્હી અને એનસીઆરમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદ જારી રહ્યો હતો. વરસાદના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો છે અને ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. દરમિયાન ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતીના કારણે લોકો પહેશાન થયેલા છે. રાજમાર્ગો પર ધુમ્મસના કારણે અકસ્માતોના કેસમાં વધારો થયો છે. બુધવારના દિવસે ભારે વરસાદ થયા બાદ આજે હળવો વરસાદ થયો હતો. જેથી ઠંડી વધી ગઇ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની ભાગોમાં તેની અસર દેખાઇ રહી છે. આજે સતત બીજા દિવસે દિલ્હી અને એનસીઆર સહિત વિવિધ ભાગોમાં સવારે જોરદાર વરસાદ થતા ચારેબાજુ અંધારપટ્ટની સ્થિતી છવાઇ ગઇ હતી. હવામાન વિભાગે  ભારે હિમવર્ષા જારી રહેવાની પણ વાત કરવામાં આવી છે. જમ્મુ અને ખીણ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ પડ્યો છે. ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સિવિક સંસ્થાઓ અને લોકો માટે રેડ કેટેગરીની નોટીસ જારી કરવામાં આવી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં હિમવર્ષા અસામાન્ય નથી. વારંવાર હિમવર્ષા થતી રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની સ્થિતી વારંવાર સર્જાઇ જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર્નસના કારણે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પવનની ગતિ ધીમી થઇ ગઇ છે. જેના કારણે પ્રદુષણના પ્રમાણમાં ઉલ્લેખનીય વધારે થયો છે.ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઇ છે. જેના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા  છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી  ફરી એકવાર જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન,  ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે.

(7:45 pm IST)