Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કાશ્મીરમાં સતત બીજા દિવસે બરફવર્ષાઃ ફલાઇટો રદઃ દિલ્હીમાં વરસાદઃ ઠંડો પવન ફુંકાશેઃ જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં આજે ભારેથી અતિભારે હિમપાતની આગાહીઃ ઉત્તરાખંડમાં સ્કુલો બંધ

પંજાબ, હરીયાણા, ચંદીગઢ, યુપી, ઉતરી રાજસ્થાન, પશ્ચિમી હિમાલયન, દક્ષીણ મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે કરા પડશેઃ હિમાચલમાં એવલાન્ચની ચેતવણી

નવી દિલ્હીઃ વેસ્ટન ડીસ્ટર્બન્સના કારણે દેશભરમાં ઠંડી ઘટવાનુ નામ નથી લેતી કાશ્મીરમાં ખીણમાં ગઇકાલથી થયેલ બરફવર્ષા આજે પણ ચાલુ રહી હતી. જેથી  શ્રીનગર એરપોર્ટની ફલાઇટો સતત બીજા દિવસે રદ્ કરવામાં આવી છે. ભારે બરફવર્ષાના લીધે જમ્મુ-શ્રીનગર હાઇવે પણ છેલ્લા બે દિવસથી બંધ હોવાથી બારા-મુલ્લા-શ્રીનગર રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા છે. જયારે રાજધાની દિલ્હીમાં વરસાદ પડતા ઠંડીમાં વધારો થયો છે. જેથી ઘણી જગ્યાએ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયેલ હવામાન ખાતાએ વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાની શકયતા દર્શાવી છે. કાશ્મીરમાં થયેલ તાજી બરફવર્ષાથી ઠંડા પવનો પણ ફુંકાશે જેની ગતિ ૨૫ થી ૩૦ કિ.મી. રહેવાની સંભાવના છે.

હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉતરી પંજાબ, હરીયાણા, ચંદીગઢ અને પશ્ચિમી  ઉતર પ્રદેશમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. દિલ્હી સીવાય વાવાઝોડા સાથે કરા પશ્ચિમી હિમાલયન ક્ષેત્ર, પંજાબ, હરીયાણા, ચંદીગઢ, યુપી, ઉતરી રાજસ્થાન અને દક્ષિણ મધ્યપ્રદેશમાં પડશે. ગઇકાલે દિલ્હીમાં વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું હતુ. જયારે પ્રદુષણનું સ્તર ''ખુબ જ ખરાબ'' નોંધાયેલ.

ઉતર મધ્યપ્રદેશમાં આજે જયારે ઉતરી ચંદીગઢ અને ઝારખંડમાં કાલે વાવાઝોડુ ત્રાટકશે. આ ઉપરાંત બિહારમાં આજે પશ્ચિમી બંગાળ અને સિકકીમમાં શુક-શનિ તથા આસામ અને મેઘાલયમાં શનિવારે વાવાઝોડુ આવવાની સંભાવના છે.

ઉપરાંત ૩૦ થી ૪૦ કિમીની ઝડપનો પવન ૫૦ કિમી સુધી ઉતર-પશ્ચિમી ભારત, મધ્ય ભારત અને ગુજરાત સહિતના ભાગોને આગામી બે દિવસ ધમરોળે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. જયારે પુર્વ અને ઉતરપુર્વ ભાગોમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ધીમે-ધીમે વધારો થશે. જે આગામી બે દિવસ ચાલશે. જો કે લધુતમ તાપમાનમાં બીજા ભાગોમાં વધારો નહિ થાય. જે પશ્ચિમ અને મધ્યભારતમાં ઘટાડો નોંધાવવાની ત્યારબાદ શકયતાઓ છે.

પહાડી રાજય ઉતરાખંડના બાગેશ્વર, ટેહરી, ચમોલી, રૂદ્રપ્રયાગ અને ચંપાવતમાં આજે ભારે વરસાદની આગાહીના કારણે શાળાઓ અને આંગણવાડીના કેન્દ્રો બંધ રખાયા છે. ઉતરાખંડમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવનો ઉતર, પુર્વ અને મધ્ય ભાગોમાં ફુંકાશે. જેથી માછીમારોને દરીયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે.

વાવાઝોડાના કારણે કરનાલ, કંઇથાળ, ખુરજા, સહજહાનપુર, મોરાદાબાદ, અને આમરોહમાં હળવો વરસાદ પડશે તથા સિકંદરાબાદ, બુલંદશહર, ગ્રેટર નોઇડા, દાદરી, ગુલોથી, હાપુર અને સંલગ્ન વિસ્તારોમાં આવતા બે દિવસમાં કરા પડવાની શકયતા છે. દિલ્હીમાં ૧૬ જેટલી ટ્રેન ધુમ્મસના કારણે મોડી ચાલી રહી છે. જયારે દિલ્હી-મુંબઇ એરપોર્ટ ઉપર પણ ફલાઇટોને અસર પહોંચી છે.

હિમાચલ પ્રદેશના એસએએસઇ વિભાગે આજે કુલ્લુ, ચંબા, લાહોલ સ્થિતિ- સિમલા, કાંગરા અને કિન્નુર જીલ્લાઓમાં એવલાંન્ચની ચેતવણી આપી છે. (૪૦.૯)

(3:22 pm IST)