Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

આલેલે.. ચોર ગાયનું છાણ ચોરી ગયા

પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી

ચેન્નાઇ, તા.૭:- કિંમતી સામાનોની ચોરીના ઘણા કિસ્સા તમારી જાણમાં આવ્યા હશે, પરંતુ કર્ણાટકના ચિકમંગલુરુમાં ચોરીનો એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે. કહેવાય છે કે અહીં ગાયના છાણની ચોરી થઈ છે. આશ્યર્યની વાત તો એ છે કે ચોરીના આ કેસમાં પોલીસે એક સરકારી કર્મચારીને ગિરફતાર કર્યો છે.

 

ચિકમંગલુરુ જિલ્લાના બિરૂર પોલીસ મથકના સીપીઆઇ સત્યનારાયણ સ્વામીએ જણાવ્યું કે પશુપાલન વિભાગના જોઇન્ટ ડાયરેકટરે ગાયના છાણની ચોરીના કેસમાં એફઆઇઆર દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે મૃતમહલ કવલના સ્ટોકમાં છાણ રાખવામાં આવ્યું હતું,જયાંથી ૩૫-૪૦ ટ્રેકટર છાણની ચોરી થઈ ગઈ હતી. આ છાણની કિંમત ૧.૨૫ લાખ રૂપિયા હતી.

તપાસ પોલીસે પશુપાલન વિભાગના સુપરવાઇઝરને ગિરફતાર કર્યો છે. તે સાથે જ જે વ્યકિતની જમીન પર ચોરીનું છાણ જોવા મળ્યું હતું, તેની વિરુદ્ઘ એફઆઇઆર દાખલ કરાઈ છે. પોલીસે જપ્ત કરેલું છાણ પશુપાલન વિભાગના અધિકારીઓને સોંપી દીધું છે.

યાદ રહે કે ગાયનું છાણ અને ગૌમૂત્ર ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ દેશી ખાતર બનાવવામાં પણ થાય છે. રાજયમાં ગૌમૂત્ર અને ગાયના છાણની ઘણી માગ છે. એ ઉપરાંત આયુર્વેદમાં પણ ગાયના છાણની માગ રહે છે. વિશેષજ્ઞો માને છે કે ગૌમૂત્ર અને ગાયના છાણનો ખેતરોમાં ઉપયોગ કરવાથી પાકનું ઉત્પાદન સારું થાય છે.(૨૨.૧૪)

(3:17 pm IST)