Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવાની છ ટેવો પાડો

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર આ વર્ષે તેના કારણે ૬,૨૭,૦૦૦ મોત થયા

વોશિંગ્ટન તા.૭: અમેરિકામાં બ્રેસ્ટ કેન્સર દર એક લાખ વ્યકિતએ ૮૫ વ્યકિતને થાય છે. એમ ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સરના આંકડાઓ દર્શાવે છે. આ વર્ષે દુનિયાભરમાં લગભગ ૬,૨૭,૦૦૦ લોકોના મોત બ્રેસ્ટ કેન્સરને કારણે થવાની સંભાવના છે.

વહેલા નિદાન અને યોગ્ય સારવારથી બીજા કોઇપણ પ્રકારના કેન્સર કરતા બ્રેસ્ટ કેન્સર મટવાની શકયતાઓ ઘણી બધી વધારે છે.

૧૯૮૯થી ૨૦૧૫ વચ્ચે અમેરિકામાં બ્રેસ્ટ કેન્સરના કારણે થતા મોતમાં ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ સમયસર નિદાન અને યોગ્ય સારવાર, પણ મોટાભાગના રીસર્ચો અનુસાર યોગ્ય જીવનશૈલી અપનાવવાથી આ આંકડો હજુ પણ નીચો આવી શકે છે. કેન્સરને રોકવાનો કોઇ એક માત્ર કે ચોક્કસ માર્ગો નથી અહીંયા વિજ્ઞાને દર્શાવેલી થોડી ટેવો રજુ કરીએ છીએ જેનાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઓછું થઇ શકે.

(૧)દારૂ પીવાનું બંધ કરો :રોજ દારૂ પીવાથી સાત પ્રકારના કેન્સર થઇ શકે છે જેમાં બ્રેસ્ટ કેન્સર થવાની શકયતાઓ સૌથી વધારે હોય છે.કારણ કે આલ્કોહોલ ઇન્ટ્રોજનનું લેવલ ભયજનક સ્થિતિ સુધી પહોંચાડી શકે છે. અમેરિકન ડાયેટ્રી ગાઇડ લાઇન્સની ભલામણ અનુસાર સ્ત્રીઓ માટે રોજનો એક પેગ અને પુરૂષો માટે બે પેગ આરોગ્યને નુકસાનકારક નથી અને કેટલાક ફાયદાઓ પણ કરે છે. ૨૦૧૫માં થયેલ અભ્યાસમાં જણાવાયું હતું કે માપદંડ અનુસાર પીવાયેલ દારૂ ભલે હૃદયને ફાયદો કરતો હોય પણ તેના કારણે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ૧૩ ટકા વધી જાય છે. એટલે ઘણા રીસર્ચરો દારૂ ન પીવાની સલાહ આપે છે.

(ર) કસરતઃ કસરત ઘણા બધા રોગો માટે ફાયદારૂપ છે જેમાં બ્રેસ્ટ કેન્સરનો પણ સમાવેશ થાય છે. કસરતથી તમારી રોગપ્રતિકારક શકિત વધે છે અને ચરબી ઘટે છે. જેના કારણે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટે છે. ૨૦૧૫ના જામા ઓન્કોલોજી સ્ટડીમાં રીસર્ચરોનું તારણ એ છે કે અઠવાડિયામાં ૩૦૦ મીનીટની કસરત બ્રેસ્ટ કેન્સર રોકવા માટે પુરતી છે. બીજા રીસર્ચરનું કહેવું છે કે ૪૦ ટકા કેન્સર વધુ વજન અને સ્થુળતા સાથે સંકળાયેલા હોવાથી તેને કસરતથી રોકવામાં મદદ મળે છે.

(૩) રેસાયુકત આહારઃ વનસ્પતિ જન્ય ખોરાકમાં રહેલ રેસાઓ જે તમારા શરીરમાં અને પાચનમાં શોષાતા નથી તે કોલેસ્ટ્રોલ અને વજનને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. ૨૦૧૬ના એક અભ્યાસ અનુસાર, જે સ્ત્રીઓ ટીનએજમાં રેસાયુકત ફળો અને શાકભાજી રોજ ખાતા તેમને અન્યની સરખામણીએ બ્રેસ્ટ કેન્સર થવાની શકયતા રપ ટકા ઓછી હતી.

(૪) ચરબીયુકત ખોરાક ઘટાડો : જામા ઓન્કોલોજીમાં પ્રકાશિત થયેલ એક રીસર્ચ અનુસાર જે સ્ત્રીઓ આખા દાણા અને ઓછી ચરબીયુકત ખોરાક ખાતી હતી તેમને ખોરાકમાં ચરબી પર કન્ટ્રોલ ન કરનાર સ્ત્રીઓની સરખામણીએ બ્રેસ્ટ કેન્સરથી મરવાના ચાન્સ રર ટકા ઓછા હોય છે. જો કે આ અભ્યાસમાં ઓછી ચરબીથી ફાયદો કેવી રીતે થાય છે તે દર્શાવાયુ નહોતું.

(૫) ધુમ્રપાન બંધ કરો : ધુમ્રપાન આમ તો ફેફસાનું કેન્સર થવા સાથે સંકળાયેલું છે પણ કેટલાક રીસર્ચના મતે સીગારેટમાં રહેલ કાર્સીનોજન્સના કારણે વ્યકિતને બીજા રોગો પણ થાય છે જેમાં બ્રેસ્ટ કેન્સર પણ શામેલ છે. જે લોકો નાની ઉંમરથી ધુમ્રપાન શરૂ કરે છે તેમને આ જોખમ ઘણુ વધી જાય છે. કારણ કે સીગરેટના કારણે બ્રેસ્ટ ડેવલપમેન્ટના હોર્મોનને ખરાબ અસર થાય છે.

(૬) હોર્મોન થેરાપી અત્યંત જરૂરી હોય તો જ કરાવવી : રીસર્ચરોને જાણવા મળ્યું હતું કે મોનોપોઝ દરમ્યાન કરવામાં આવતી હોર્મોન થેરાપીના કારણે બીજા ફાયદાઓ થાય છે પણ તેનાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધે છે. તેથી તમારા ડોકટર સાથે તમારા કેસની ચર્ચા કરીને પછી જ તે અંગે નિર્ણય લેવો.(૧.૨૩)

(ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

 

(3:04 pm IST)