Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

હિમાચલ - ઉત્તરાખંડમાં આજે વાદળ ફાટવાની શકયતા રાતે ભારે બરફવર્ષાઃ મધ્યપ્રદેશમાં કરા પડયાઃ કાતિલ ઠંડી

યુપી, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને ઉ.રાજસ્થાનમાં આજે - કાલે વરસાદ : ઠંડી વધવાના એંધાણ : સ્કાયમેટ

નવી દિલ્હી તા. ૭ : પહાડી રાજયો હિમાચલ અને ઉત્તરાખંડના ઉંચાઈવાળા વિસ્તારોમાં બુધવારે રાત્રે બરફવર્ષા થઈ હતી. ખાનગી વેબસાઈટ સ્કાઈમેટે બંને રાજયોમાં વાદળ ફાટવાની આશંકા વ્યકત કરી છે. અહીં ગઇકાલે બુધવારે બરફવર્ષા થઈ હતી. જયારે મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં કરા પડ્યાં હતા. રાજસ્થાનની આસપાસ હવાનો ચક્રવાતી ઘેરો બન્યો હોવાથી ઠંડો પવન શરૂ થઈ ગયો છે.

 

મધ્યપ્રદેશના ગ્વાલિયરના ૨૦, સતનાના ચાર ગામમાં વરસાદની સાથે કરા પડ્યા છે. જયારે ગુના, ભિંડ અને ભોપાલમાં વરસાદના કારણે ઠંડક વધી ગઈ છે. હવામાન એકસપર્ટ પીએન બિરવાના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતમાં બનેલા પશ્ચિમ વિક્ષોત્રને બંગાળની ખાડી અને અરબ સાગરથી ભેજવાળી હવા મળીને પ્રભાવી બનાવી રહી છે.

સ્કાઈમેટના અંદાજ પ્રમાણે ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને ઉત્તરી રાજસ્થાનમાં ગુરૂવારે અને શુક્રવારે સામાન્ય વરસાદ થવાની શકયતા છે. અમુક જગ્યાએ કરા પણ પડી શકે છે. ૮ અને ૯ ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત ઘણાં રાજયોમાં ઠંડી વધી શકે છે.

 

(11:26 am IST)