Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મોદી એકશન મોડમાં...૫ દિ'માં ૧૦ રાજ્યોમાં સભાઓ ગજાવશે

મોદી કાલથી છત્તીસગઢ, હરીયાણા, પ.બંગાળ, અરૂણાચલ, ત્રિપુરા, તામીલનાડુ જશેઃ અનેક વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને સભાઓ સંબોધશેઃ પ.બંગાળના જલપાઈગુડીમાં આવતીકાલે સભાઃ મમતા ઉપર તીખા પ્રહારો કરે તેવી શકયતાઃ મથુરામાં ૧૧મીએ મીડ-ડે મીલ કાર્યક્રમમાં જોડાશેઃ બાળકોને ભોજન પીરસશે

નવી દિલ્હી, તા. ૭ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકશન મોડમાં આવી ગયા છે. આવતા પાંચ દિવસમાં તેઓ ૧૦ રાજ્યો ફરી વળવાના છે. પાંચ રાજ્યોમાં પીએમની આ મુલાકાત લોકસભાની ચૂંટણી પહેલા ઘણી મહત્વની બની રહેશે અને આ ચૂંટણી પ્રચારની જોરદાર શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. પીએમ મોદી ૧૦ રાજ્યોના આ પ્રવાસમાં એક રાત આસામમાં પણ રહેશે. તાજેતરમાં જ તેઓ જમ્મુ-કાશ્મીર અને પ.બંગાળ ગયા હતા.

કાલે પીએમ ૩ રાજ્યોની મુલાકાત લેશે. છત્તીસગઢના રાયગઢમાં કોન્ડાતરાઈમાં એક સભાને સંબોધીત કરશે. છત્તીસગઢની તાજેતરની આ તેમની પહેલી મુલાકાત હશે. ત્યાર બાદ તેઓ પ.બંગાળના જલપાઈ ગુડીમાં રેલી કરશે અને મમતા બેનરજી ઉપર પ્રહારો કરશે. પ.બંગાળથી પીએમ આસામ જશે અને ત્યાં રાત રોકાશે.

૯મીએ આસામના પાટનગર ગુવાહાટીમાં પીએમ અનેક વિકાસકાર્યોનુ ઉદઘાટન કરશે. બ્રહ્મપુત્રા નદી પર પૂલની આધારશીલા પણ તેઓ રાખશે. એમ્સનું ભૂમિપૂજન અને નવી ગેસ પાઈપલાઈનનું પણ ઉદઘાટન કરશે. આ ગેસ પાઈપલાઈન નોર્થ ઈસ્ટને નેશનલ ગ્રીડ સાથે જોડી દેશે. આસામથી તેઓ અરૂણાચલ જશે. ત્યાં નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કરશે અને ત્યાંથી ત્રિપુરા જશે અને ત્યાં રેલીને સંબોધન કરશે અને ત્યાર બાદ દિલ્હી પાછા ફરશે.

૧૦મીએ પીએમ તામીલનાડુ જશે ત્યાં તિરૂપુરમાં રેલી યોજશે ત્યાંથી કર્ણાટકના હુબલીમાં પણ સભા સંબોધશે ત્યાર બાદ પીએમ આંધ્રપ્રદેશ જશે અને ગુનટુરમાં એક સભા સંબોધશે.

૧૧મી પીએમ મોદી મથુરામાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં સામેલ થશે. આ સંસ્થા દેશમાં ૧૮ લાખ બાળકોને મધ્યાહન ભોજન આપે છે. ત્યાં પીએમ બાળકોને જમવાની પીરસશે. આ કાર્યક્રમમાં સીએમ યોગી પણ હાજર રહેશે.

૧૨મીએ મોદી હરીયાણાના કુરૂક્ષેત્રમાં સ્વચ્છ શકિત કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં દેશભરની મહિલા સરપંચ ભાગ લેશે. ચૂંટણી પહેલા તેમની આ પાંચ રાજ્યોની મુલાકાત અત્યંત મહત્વની બનવાની છે.(૨-૪)

(10:29 am IST)