Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કોઇપણની સરકાર બને કેન્દ્રમાં

ચૂંટણી પછી જ શરૂ થશે રામ મંદિર નિર્માણ

સંઘના વડા મોહન ભાગવતનો નિર્દેશ

દેહરાદૂન તા. ૭ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સંઘ લોકસભા ચૂંટણી પછી રામ મંદિર નિર્માણ શરૂ કરી દેશે, પછી કેન્દ્રમાં કોઈ પણ પાર્ટીની સરકાર બને. જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી સુધી રામ મંદિર આંદોલન રોકી રહ્યા છીએ.

 

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આયોજિત આરએસએસના એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે રામ મંદિર, ધાર્મિક ભેદભાવ અને જાતિગત અનામત સંબંધિત ધણાં મુદ્દા પર સવાલોના જવાબ આપ્યા. રામ મંદિરના મુદ્દે ભાગવતે કહ્યું- હાલમાં કુંભ મેળો થયો, 'ધર્મ સંસદ' મુજબ જ મંદિરનું નિર્માણ થશે. આ અંગે આરએસએસના એક અન્ય નેતાએ કહ્યું- ભાગવતજીએ કહ્યું છે કે ચૂંટણી પછી કોઈ પણ સરકાર સત્તામાં આવે, સંઘ ધર્મગુરુઓ સાથે મળીને કાર્યવાહી કરશે.

આરએસએસના નેતા એ પણ કહ્યું કે ભાગવતે રામ મંદિર નિર્માણ માટે કોઈ તારીખ નક્કી નથી કરી પણ આ સ્પષ્ટ કર્યું છે કે રામ મંદિર અને ગૌરક્ષા જ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે અને તે ઘણું મહત્વપૂર્ણ છે. હાલમાં જ થયેલી ધર્મ સંસંદમાં કહેવાયું હતું, જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે, સેકયુલર રાજકીય તાકતો એક થઈ રહી છે. સંત સમાજ રામ જન્મભૂમિ મુદ્દાને રાજકીય મુદ્દામાં ન બદલે.

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી પણ કહી ચૂકયા છે કે જયાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈ વિકલ્પ પર વિચાર ન કરી શકાય. આ પહેલા આરએસએસ અને વીએચપીએ માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર સંસદમાં વટહુકમ લાવીને રામ મંદિર નિર્માણનો માર્ગ ખુલ્લો કરે. આરએસએસના મીડિયા હેડ અરૂણ કુમારે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની અરજીથી સંત સમાજ સંતુષ્ટ છે.(૨૧.૮)

(10:28 am IST)