Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

'રાષ્ટ્રીય કામધેનુ આયોગ'ની રચનાને મંજુરી

પશુધનની વૃધ્ધિ થશે અને મહિલાઓ ખેડૂતોને ફાયદો થશે

નવી દિલ્હી તા. ૭ : ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન માટે 'રાષ્ટ્રીય કામધેનુ આયોગ'ની રચનાના પ્રસ્તાવને કેન્દ્રિય મંત્રીમંડળે બુધવારે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચનાથી દેશમાં ગૌવંશના સંરક્ષણ, સુરક્ષા અને સંવર્ધન સાથે તેમની સંખ્યા વધારવા પર પણ ધ્યાન આપવામાં આવશે. જેમાં સ્વદેશી ગાયોના સંરક્ષણનો પણ સમાવેશ થાય છે.' સરકારનું માનવું છે કે આમ કરવાથી પશુધનની વૃદ્ઘિ થશે અને મહિલાઓ તેમજ નાના ખેડૂતોને પણ ફાયદો થશે.

આ આયોગ પશુપાલન, પશુ વિજ્ઞાન અને ખેતી સાથે જોડાયેલા કેન્દ્ર તેમજ રાજય સરકારના વિશ્વવિદ્યાલયો, વિભાગો અને સંગઠનો સાથે મળીને કામ કરશે. નાણાંમંત્રી પિયુષ ગોયલે શુક્રવારે સંસદમાં રજૂ થયેલા ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં આ આયોગની રચનાનો પ્રસ્તાવ કર્યો હતો. જેનો હેતુ દેશમાં ગૌવંશના વિકાસ અને સંરક્ષણની નીતિગત યોજનાઓ વિશે વ્યવસ્થિત દિશાદર્શન કરવાનો છે. આયોગ તે પણ સૂચન કરશે કે દેશમાં ગૌ-કલ્યાણના નિયમો અને કાયદાઓને કઈ રીતે નિશ્ચિત સમયમર્યાદામાં પાલન કરી શકાય છે.(૨૧.૭)

(10:26 am IST)