Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કન્યાને ૧ તોલા સોનુઃ બેકારોને ભથ્થુઃ રાજ્યો વરસે છે મતદારો ઉપર

ચૂંટણી નજીક આવતા જ વિવિધ રાજકીય પક્ષોને મતદારો પ્રત્યે વ્હાલ ઉભરાયું: આસામની ભાજપ સરકારનું એલાનઃ લગ્ન વખતે કન્યાને મળશે ૧ તોલા સોનુ અથવા ૩૮૦૦૦: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે બેરોજગાર યુવાનોને મહિને ૪૦૦૦ રૂ.નું ભથ્થુ આપવાની જાહેરાત કરીઃ ૧૦૦ દિવસની રોજગારની ગેરન્ટી આપશે યુવાનોનેઃ કેરળ સરકારે જીએસટીમાં આફત કર લગાવવાનો ફેંસલો ટાળ્યો

નવી દિલ્હી, તા. ૭ :. લોકસભાની ચૂંટણી થવા આડે હવે થોડો સમય બાકી રહ્યો છે. એવામા રાજકીય પક્ષોએ પોતપોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી લીધી છે કે જેથી તેઓ મતદારોને આકર્ષી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને આકર્ષવા માટે અનેક પ્રકારની જાહેરાતો કરી રહી છે. જેમાં ખેડૂતોના દેવામાફીથી લઈને ખેડૂતોની આવક વધારવા અને બેરોજગારોને ભથ્થા આપવાથી લઈને સોના આપવા સુધીનો સમાવેશ થાય છે. ભાજપના શાસનવાળી આસામ સરકારે કન્યાઓને ૧ તોલા સોનુ એટલે કે રૂ. ૩૮૦૦૦ આપવાની વાત કરી છે તો મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે બેરોજગારોને મહિને ચાર હજાર રૂપિયાનું ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.

 ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજયમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને ૧ તોલા સોનું આપવામાં આવશે. વર્તમાન બજાર કિંમત પ્રમાણે અત્યારે ૧ તોલાની કિંમત રૂ.૩૮ હજાર છે.

આસામના નાણામંત્રી હિમંતા બિશ્વ સરમાએ રાજયનું બજેટ રજૂ કરવા દરમિયાન આ જાહેરાત કરી હતી. આ યોજનાને 'અરૃંધતી' નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો ફાયદો રાજયમાં રૂ.૫ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને મળશે. રાજય સરકારે આ યોજના માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરી છે.

હિમંતા બિશ્વ સરમાએ જાહેરાત કરતા જણાવ્યું કે, 'આસામમાં વર્ષો જૂની પરંપરા છે કે દિકરી જયારે પિતાનું ઘર છોડે છે ત્યારે તેને આશિર્વાદ તરીકે સોનાના આભૂષણ આપવામાં આવે છે. દેશના અન્ય રાજયોમાં તેને દહેજ કહેવામાં આવે છે, પરંતુ આસામમાં માતા-પિતા સ્વેચ્છાએ દિકરીને આપે છે, જેથી દિકરીને એવો અહેસાસ થાય કે તેને માતા-પિતાનો સપોર્ટ હંમેશાં રહેશે.'

તેમણે આગળ જણાવ્યું કે, 'મને લાગે છે કે, એ મારી જવાબદારી છે કે જે પિતા પોતાની પ્રિય પુત્રી માટે સોનાના આભૂષણ ખરીદી શકતા નથી, તેમણે તેના માટે ધિરાણ લેવું પડે છે. આ માટે તેણે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવું પડે છે. મને આનંદ છે કે, આસામના એવા સમુદાય કે જયાં લગ્નના સમયે સોનું આપવાની પરંપરા છે, તેમની દિકરીઓને લગ્નના સમયે સરકાર ૧ તોલા સોનું ભેટમાં આપશે.'

આ યોજનાને અરૃંધતિ નામ અપાયું છે. બિશ્વ સરમાએ જણાવ્યું કે, 'સરકારની અરૃંધતિ યોજનાનો લાભ લેવા માટે 'વિશેષ વિવાહ(આસામ) નિયમ, ૧૯૫૪' અંતર્ગત લગ્નની નોંધણી કરાવાની રહેશે. લગ્નના દિવસે સરકાર લાભાર્થી સુધી આ ઉપહાર પહોંચાડી દેશે. આ યોજનાનો લાભ જેની વાર્ષિક આવક રૂ.૫ લાખ કે તેનાથી ઓછી હોય તેને જ મળશે.'

મ. પ્રદેશની સરકારે બેરોજગારોને મહિને ૪૦૦૦ રૂ.નુ ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં આ રકમ ૩૫૦૦ છે. મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર એક યોજનાની જાહેરાત કરવાની છે. જેમા યુવાનો ૧૦૦ દિવસની રોજગારીની ગેરન્ટી અપાશે. કોંગ્રેસના શાસનમાં વૃદ્ધોને મળતુ પેન્શન ૩૦૦થી વધારી ૬૦૦ રૂ. કરાયુ છે.

કેરળ સરકારે જીએસટીમાં પૂરનો કર લગાવવાનુ ટાળી દીધુ છે.(૨-૩)

 

(10:43 am IST)
  • ચિટ ફંડ કૌભાંડના તપાસ માટે ડીસીબીઆઈએ 10 સીબીઆઈ અધિકારીઓને નિયુક્ત કર્યા : કોલકતાના સી.પી. રાજીવ કુમાર અને અન્યોને 8 થી ફેબ્રુઆરી 20 સુધી પૂછપરછ કરાશે access_time 9:28 pm IST

  • મુલાયમસિંહના નજીકના મનાતા પૂર્વ મંત્રી પર આવકવેરા વિભાગની કાર્યવાહી :અખિલેશ યાદવે શિવકુમાર રાઠોરને પોતાની સરકારમાં રાજ્યમંત્રી બનાવ્યા હતા ;શિવકુમાર રાઠોર મુલાયમસિંહના નજીકના મનાય છે access_time 1:17 am IST

  • રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જાહેરાત કરી access_time 9:27 pm IST