Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સીબીઆઈ વિવાદ પર ટ્વિટ કરીને પ્રશાંત ભૂષણ ફસાયા

સુપ્રીમ કોર્ટ દ્વારા તિરસ્કાર નોટિસ અપાઈ : સમગ્ર મામલામાં સાતમી માર્ચના દિવસે વધુ સુનાવણી

નવી દિલ્હી, તા. ૬ : સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ મામલામાં ટિપ્પણી કરીને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણ પોતે પણ જોરદારરીતે ફસાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને તિરસ્કારના મામલામાં નોટિસ ફટકારી દીધી છે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં પ્રશાંત ભૂષણ પર આક્ષેપ કર્યો હતો કે, સીબીઆઈ વચ્ચે ખેંચતાણમાં બિનજરૂરી વિવાદની સ્થિતિ રહેલી છે. કેકે વેણુગોપાલ અને કેન્દ્ર સરકારે પ્રશાંત ઉપર આક્ષેપ કર્યો હતો કે, પ્રશાંતે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, એટર્ની જનરલ વેણુગોપાલ જાણી જોઇને કોર્ટમાં પેન્ડિંગ કેસના સંદર્ભમાં ખોટી માહિતી આપી છે. આ મામલાની વધુ સુનાવણી ૭મી માર્ચના દિવસે થશે. એકબાજુ એટર્ની જનરલ વેણુગોપાલ આ મામલામાં પ્રશાંત ભૂષણની સામે સજાની ઇચ્છા રાખતા નથી પરંતુ કેન્દ્ર સરકારે કોર્ટના તિરસ્કાર બદલ પ્રશાંત ભૂષણ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. એજીએ કોર્ટમાં કહ્યું છે કે, તેઓ પ્રશાંત ભૂષણના આક્ષેપથી પરેશાન છે. પ્રશાંત ભૂષણની સામે કોઈ કાર્યવાહી ઇચ્છતા નથી પરંતુ કોર્ટે આ બાબત નક્કી કરવી જોઇએ કે પેન્ડિંગ મામલાને લઇને કોઇ વકીલને કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવી જોઇએ નહીં. જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે, અમે કોર્ટની કાર્યવાહીને લઇને મિડિયા રિપોર્ટિંગનો વિરોધ કરતા નથી પરંતુ કોર્ટમાં પેન્ડિંગ રહેલા મામલા સાથે જોડાયેલા વકીલોને મિડિયામાં નિવેદન આપવા અને ટીવી ડિબેટમાં ભાગ લેવાથી બચવાના પ્રયાસ કરવા જોઇએ. કેટલાક વિવાદાસ્પદ ટ્વિટ બદલ વકીલ પ્રશાંત ભૂષણ ઉપર તિરસ્કારની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. થોડાક દિવસ પહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે ભૂષણની સામે ટ્વિટ બદલ લોકોમાં પણ નારાજગી પણ જોવા મળી હતી.

 

(12:00 am IST)