Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પોલિસી સમીક્ષાની વચ્ચે વધુ ૧૧૩ પોઇન્ટનો ઘટાડો થયો

વ્યાજદર યથાવત રહેતા શેરબજારમાં નિરાશા રહી : સેંસેક્સમાં ૫ કારોબારી સેશનમાં ૧૮૮૨ પોઇન્ટનો મોટો કડાકો : અવિરત મંદીના પરિણામે રોકાણકારો દિશાહીન

મુંબઇ,તા. ૭ : શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી જારી મંદી આજે પણ યથાવત રીતે રહેતા અંતે નિરાશા હાથ લાગી હતી. વૈશ્વિક બજારોમાં સ્થિતી સુધરતા તેની અસર ભારતીય બજાર પર જોવા મળી હતી. સવારમાં બજારમાં રિક્વરી જોવા મળી હતી. સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં રિક્વરી થઇ હતી. જો કે આરબીઆઇની પોલીસી સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ કારોબારના અંતે તેમાં ફરી નિરાશા જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ ઘટીને ૩૪૦૮૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૨ પોઇન્ટ ઘટીને ૧૦૪૭૭ની સપાટી પર રહ્યો હતો. બજેટ બાદ શેરબજારમાં અવિરત મંદી રહી છે. સેંસેક્સમાં છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૧૮૮૨ પોઇન્ટનો મોટો કડાકો બોલાઇ ચુક્યો છે. આરબીઆઇએ તમામ ચાવીરૂપ રેટ યથાવત રાખતા તેની અસર બજાર પર જોવા મળી હતી. ગઇકાલે મંગળવારના દિવસે  ૩૦ શેરના બીએસઇ સેંસેક્સમાં શરૂઆતી કારોબારમાં જ ૧૨૭૪ પોઇન્ટ ઘટી ગયા બાદ કારોબારના અંતે ઘણી રિકવરી થઇ હોવા છતાં સેંસેક્સ ૫૬૧ પોઇન્ટ ઘટીને ૩૪૧૯૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ પણ જોરદાર રિકવર થઇને અંતે ૧૬૮ પોઇન્ટના ઘટાડા સાથે ૧૦૪૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. સોમવારના દિવસે શેરબજારમાં મંદીની સ્થિતી વચ્ચે વધુ ૩૧૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જેથી તેન સપાટી ઘટીને ૩૪૭૫૭ થઇ ગઇ હતી. આવી જ રીતે નિફ્ટી ૯૪ પોઇન્ટ ઘટીને ૧૦૬૬૭ની નીચી સપાટી પર રહ્યો હતો.   અત્રે નોંધનીય છે કે જુદા જુદા પરિબળોની અસર હેઠળ શુક્રવારના દિવસે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે મચી ગયેલા કોહરામ માટે અનેક પરિબળો જવાબદાર રહેતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં કારોબારીઓએ બ્લેક ફ્રાઇડેના દિવસે પાંચ લાખ કરોડ ગુમાવી દીધા હતા. તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું હતું. બીએસઈમાં તમામ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૪.૭ લાખ કરોડનો ઘટાડો થતાં તેની સંપત્તિ ૧૪૮.૪ લાખ કરોડ થઇ હતી. સતત રેકોર્ડ બનાવી રહેલા શેરબજાર ઉપર  બજેટની અસર જોવા મળી હતી.બ્લેક ફ્રાઇડે હેઠળ બજાર તુટ્યા હતા. બજેટમાં કેટલીક નવી જોગવાઇ કરવામાં આવ્યા બાદ કારોબારીઓમાં દહેશત દેખાઇ રહી છે. શેરબજારમાં ભારે હાહાકારની સ્થિતિ વચ્ચે બજેટ ૨૦૧૮-૧૯ બાદથી છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં ૧૦ ટ્રિલિયન રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. ગઇકાલે મંગળવારના દિવસે પણ શરૂઆતી ગાળામાં મિનિટોના ગાળામાં જ પાંચ લાખ કરોડ રૂપિયા મૂડીરોકાણકારોએ ગુમાવી દીધા હતા. બીએસઈમાં તમામ લિસ્ટેડ શેરની કુલ સંયુક્ત માર્કેટ મૂડીની દ્રષ્ટિએ કુલ રોકાણકારોની સંપત્તિમાં છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં ગઇકાલે મંગળવારના દિવસે  સવાર સુધી ૧૦ ટ્રિલિયન રૂપિયા ઘટીને ૧૪૩ ટ્રિલિયન રૂપિયા થઇ ગઇ હતી. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે બજેટની જાહેરાત કરવામાં આવી ત્યારે માર્કેટ મૂડી ૧૫૩ ટ્રિલિયન રૂપિયા હતા. ઇક્વિટી રોકાણના વેચાણ ઉપર સરકારે ૧૦ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની જાહેરાત કરી હતી. ૨૩મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે બીએસઈમાં તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ૧૫૬.૫૭ ટ્રિલિયન હતી.ગુરુવારના દિવસે સેંસેક્સ ૩૫૯૦૭ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો ત્યારબાદથી સેંસેક્સ હવે છ ટકાથી વધુ ઘટીને ખુબ નીચી સપાટીએ પહોંચી ગયો  હતો.શેરબજારમાં મંદીનો કારોબાર  રહ્યા બાદ હવે સ્થિતીમાં સુધારો થયા બાદ રાહત જોવા મળી રહી છે. મોટા ભાગના શેરમાં આજે સવારે  લેવાલી જોવા મળી હતી. 

(7:31 pm IST)