Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બેફામ વધતા પેટ્રોલ-ડિઝલના ભાવઃ ૪ વર્ષના ઉચ્ચત્તમ સ્તરે

૩ દિવસથી ક્રુડના ભાવ સતત ઘટી રહ્યા છે છતાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છેઃ મોંઘવારીનો રાક્ષસ બિહામણી રીતે ધુણે તેવી શકયતાઃ મુંબઇમાં પેટ્રોલ અને ડિઝલ સૌથી મોંઘાઃ પેટ્રોલનો ભાવ ૮૧.ર૪ અને ડિઝલ ૬૮.૩૯: હવે નવો ભાવ ૮પ સુધી પહોંચે તેવી શકયતા

નવી દિલ્હી તા.૭ : નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાની અટકળોને વિરામ આપવામાં આવતા બંનેના ભાવ ચાર વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયા છે. જો કે ચાર રાજયો દ્વારા વેટના દરોમાં ઘટાડાનું એલાન કરવામાં આવ્યુ છે પરંતુ તેનો ફાયદો સમગ્ર દેશમાં મળતો નથી.

 

દેશના ચાર મહાનગરોની વાત કરીએ તો અત્યારે સૌથી વધુ મોંઘુ પેટ્રોલ અને ડિઝલ મુંબઇમાં છે. અહી પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૮૧.ર૪ રૂ. થઇ ગયો છે તો ડિઝલનો ભાવ ૬૮.૩૯ રૂ. પ્રતિ લીટર થઇ ગયો છે. દિલ્હી, કોલકતા અને ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ અનુક્રમે ૭૩.૩૮, ૭૬.૦૭ અને ૭૬.૧ર રૂ. પ્રતિ લીટર છે તો ડિઝલની વાત કરીએ તો દિલ્હી, કોલકતા અને ચેન્નાઇમાં તે ૬૪.રર, ૬૬.૮૯ અને ૬૭.૭૩ રૂ. પ્રતિ લીટર છે.

 

દેશમાં એક તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે તો બીજી તરફ છેલ્લા ૩ દિવસથી ક્રુડના ભાવ ઘટવા લાગ્યા છે. ક્રુડનો ભાવ ૧.૧ ટકો ઘટી ગયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ સસ્તુ કરવાના અહેવાલ પર કહ્યુ છે કે તે સસ્તા નહી થાય. નાણા સચિવ હસમુખ અઢીયાએ કહ્યુ છે કે, બજેટમાં જેટલી એકસાઇઝ ડયુટી ઘટાડવામાં આવી એટલી જ સેસને વધારી દેવામાં આવી છે. આ સિવાય અત્યારે જીએસટીમાં આ બંનેને સામેલ કરવામાં થોડો સમય લાગશે.

જો પેટ્રોલ અને ડિઝલના ભાવ આમને આમ વધતા ગયા તો મોંઘવારી વધતી રહેશે. જેના ઉપર કાબુ મેળવવાનું મુશ્કેલ બનશે. જેને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી થઇ જશે. જે રીતે ભાવ વધે છે તે જોતા પેટ્રોલનો ભાવ ૮પ રૂ. થઇ શકે છે. ર૦૧૮માં બ્રિન્ટ ક્રુડનો સરેરાશ ભાવ ૬૪ ડોલર રહેવાનુ અનુમાન છે.(૩-૬)

(11:41 am IST)