Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

IT રિટર્નમાં સામાન્ય ગરબડ પર હવે નહિ મળે નોટીસ

૧ એપ્રિલથી નિયમ લાગુઃ આંકડામાં ગરબડ હશે તો મળશે નોટિસ

નવી દિલ્હી તા. ૭ : ઇનકમ ટેકસ રિટર્નમાં મામૂલી ગરબડને કારણે ઇનકમ ટેકસ વિભાગની નોટિસનો સામનો કરનારા લાખો ટેકસપેયર્સને મોટી રાહત મળવા જઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસ (સીબીડીટી)એ શુક્રવારે તેની જાણકારી આપી હતી. ફોર્મ-૧૬ (એમ્પલોયર દ્વારા) અને ફોર્મ ૨૬ એએસ (ઇનકમ ટેકસ વિભાગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલું ટેકસ ક્રેડિટ સ્ટેટમેન્ટ)માં સામાન્ય ગરબડ થવા બદલ ટેકસપેયર્સને હવે નોટિસ નહિ મળે. જોકે આંકડામાં મોટી ગરબડ કે શંકા જશે તો પહેલાંની જેમ જ નોટિસ આપવામાં આવશે.

અગાઉ કોઈ પણ ટેકસપેયરને બેંકો અને અન્ય ફાઇનાન્શિયલ ટ્રાન્જેકશનનો ડેટા જો તેના દ્વારા આઈટીઆરમાં આપવામાં આવેલી જાણકારીથી થોડો પણ મેળ ખાતો નહોતો, તો તેમને ઇનકમ ટેકસ વિભાગ તરફથી નોટિસ મોકલવામાં આવતી હતી. હવે આવા ટેકસપેયર્સને રાહત આપવાની તૈયારી થઈ રહી છે.

ઘણી વાર ટેકસપેયર્સ દ્વારા ફોર્મ ભરતી વખતે અજાણ્યે આંકડામાં મામૂલી ગરબડ થઈ જાય છે અને તેને આ કારણે ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. આવા લોકોને રાહત આપવા માટે હાલમાં જ ફાઇનાન્શિયલ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. તેમાં ફોર્મ-૧૬ (એમ્પલોયર દ્વારા) અને ફોર્મ-૨૬ એએસ (ઇનકન ટેકસ વિભાગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલું ટેકસ ક્રેડિટ સ્ટેટમેન્ટ)માં સામાન્ય ગરબડ થવા પર લોકોને રાહત આપવાની જોગવાઈ છે. આ નિર્ણયથી સૌથી વધુ સેલરિડ અને નાના ટેકસપેયર્સને રાહત મળવાની આશા વ્યકત થઈ રહી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટ ટેકસીસ (સીબીડીટી) ચેરમેન સુશીલ ચંદ્રાએ પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, 'આ પ્રકારના મામલે ડેટામાં સામાન્ય મિસમેચ થવા પર નોટિસ ન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે ટેકસપેયર્સ પર ભરોસો કરીએ છીએ અને ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલિંગને સરળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.'

સુશીલ ચંદ્રાના અનુસાર, ૧ એપ્રિલ, ૨૦૧૮થી આ નવો નિયમ લાગુ કરી દેવાશે. હાલ આવકવેરા વિભાગના બેંગલુરૂ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરના આંકડા મિસમેચ થાય તો ટેકસપેયર્સને નોટિસ મોકલવામાં આવે છે. સુશીલ ચંદ્રાના અનુસાર આંકડામાં મોટો મિસમેચ કે શંકા થતાં પહેલેથી આપવામાં આવતી રહેશે.(૨૧.૧૦)

(10:28 am IST)