Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

એક જ ગામના ૪૦ લોકોને એઇડ્સ, મચ્યો હડકંપ

એક ચીલાચાલુ ડોકટરના કારણે લાગ્યો ચેપ

ઉન્નાવ તા. ૭ : યુપીના ઉન્નાવની બાંગરમઉ જિલ્લાના કેટલાક ગામોમાં ૪૦થી વધુ વ્યકિતઓમાં એચઆઈવીના લક્ષણો દેખાતા સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો છે. લોકો ઘણા ડરેલા છે અને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. જેમ-જેમ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે, લોકોમાં ગભરાહટ વધતી જઈ રહી છે. લોકો માગ કરી રહ્યા છે કે આખા ગામના દરેક વ્યકિતનો એચઆઈવી ટેસ્ટ કરાવવામાં આવે અને ચેપી જણાય તો સારવાર કરાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, એક ચીલાચાલુ ડોકટર દ્વારા ગત દિવસોમાં ગામના કેટલાક લોકોને ચેપી ઈન્જેકશન અપાયા બાદ હવે ઘણા લોકો એચઆઈવી સંક્રમિત થઈ ગયા છે. તેમાં કેટલાક બાળકો પણ સામેલ છે.

નવેમ્બર ૨૦૧૭માં બાંગરમઉ જિલ્લામાં કેટલાક ગામોમાં એક એનજીઓએ હેલ્થ કેમ્પ લગાવ્યો હતો. તેમાં તપાસ દરમિયાન કેટલાક લોકોમાં એચઆઈવીના લક્ષણ મળ્યા. તેમને વધુ તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ત્યાં ઘણા લોકોમાં ચેપની પુષ્ટિ થઈ. કાઉન્સિલ દરમિયાન જાણવા મળ્યું કે, વિસ્તારમાં લોકોની સારવાર કરનારા એક ચીલાચાલુ ડોકટર દ્વારા એક ઈન્જેકશનનો વારંવાર ઉપયોગ કરતો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, તે ઈન્જેકશન કોઈ એચઆઈવી પીડિતને લગાવાયું હશે. તેનાથી તેની સોય ચેપી થઈ ગઈ હશે. પછી તે ઈન્જેકશન બીજા દર્દીઓને લગાવાયું હશે અને આ રીતે ચેપ ફેલાયો હશે.(૨૧.૯)

અસુરક્ષિત શારીરિક સંબંધોથી બચવું જોઈએ

લોહીને યોગ્ય રીતે તપાસીને ચઢાવવું જોઈએ

ઉપયોગ થયેલી સોય કે ઈન્જેકશનનો ઉપયોગ ન કરવો જોઈએ

દાઢી બનાવતી વખતે નાઈને નવી બ્લેડનો ઉપયોગ કરવા કહેવું જોઈએ

(10:34 am IST)