Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પદ્માવત ફિલ્મમાં ઐતિહાસિક પાત્રોને સમ્માનજનક રીતે બતાડવામાં આવેલ છેઃ લોકોને એક સારી ફિલ્મ જોતા અટકાવવામાં આવી રહ્યા છે

રાજસ્થાન હાઇકોર્ટે નિહાળી ફિલ્મઃ દિપિકા, રણવીર અને ભણસાલી વિરૂધ્ધની ફરિયાદ રદ કરીઃ ફિલ્મમાં રાજપૂત મહારાણી પદ્મમીના ગૌરવને બતાવવામાં આવેલ છેઃ ફિલ્મમાં કશુ વાંધાજનક નથી

જયપુર તા.૭ : રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર ખંડપીઠે પદ્માવત ફિલ્મ નિહાળ્યા બાદ પોતાના આદેશમાં કહ્યુ છે કે ફિલ્મમાં કોઇપણ પ્રકારે ઐતિહાસિક પાત્રોનું ચરિત્ર હનન કરવામાં નથી આવ્યુ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ છે કે અમે ફિલ્મ નિહાળી છે અને તેમાં ઐતિહાસિક પાત્રોને અત્યંત સન્માનજનક રીતે રજુ કરવામાં આવ્યા છે તેથી રાજય સરકાર એ સુનિશ્ચિત કરે કે પદ્માવત ફિલ્મ રાજસ્થાનમાં રીલીઝ થઇ શકે કે જેથી સામાન્ય લોકો તે નિહાળી શકે. પદ્માવત ફિલ્મ રીલીઝ થવાથી આમ જનતાને એક સારી ફિલ્મ જોવા મળશે. કોર્ટે કહ્યુ છે કે આ ફિલ્મ રીલીઝ નહી થવાથી આમ જનતા એક સારી ફિલ્મ જોતા રોકવામાં આવી રહ્યા છે.

સંજય લીલા ભણસાલી વિરૂધ્ધ ફેબ્રુઆરી-ર૦૧૭માં નાગૌરના ડીડવાનામાં લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટે તેમની વિરૂધ્ધની આ એફઆઇઆર પણ રદ કરી છે. દરમિયાન કોર્ટે કહ્યુ છે કે એ ફરિયાદ પ્રિ-મેચ્યોર હતી કારણ કે ત્યારે ફિલ્મ બની ન હતી અને બીજી વાત એ છે કે, જો ફિલ્મમાં કોઇ વાંધાજનક હોય તો એ સેન્સર બોર્ડ નક્કી કરશે કે ફિલ્મ રીલીઝ કરવી કે નહી. આમ છતાં પણ કોઇને લાગે કે ફિલ્મમાં વાંધાજનક છે તો તમે સેન્સર બોર્ડના સર્ટીફીકેટને પડકારી શકો છો પરંતુ આ રીતે રિપોર્ટ નોંધાવી ન શકો.

હાઇકોર્ટે એવુ પણ કહ્યુ છે કે રાણી પદ્મમીની ધાર્મિક પાત્ર ન હતી પરંતુ ઐતિહાસિક ચરિત્ર હતી તેથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ બની ન શકે. સેન્સર બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા છે અને તે બધુ જોયા બાદ જ સર્ટીફીકેટ આપે છે. જો તેમાં કોઇને વાંધો હોય તો તેને ચેલેન્જ કરી શકાય છે.

ન્યાયમુર્તિ સંદિપ મહેતાએ ભણસાલી, રણવીર સિંહ અને દિપિકા વિરૂધ્ધની ફરિયાદ રદ કરવાનો આદેશ આપ્યો છે. અને કહ્યુ છે કે ફિલ્મમાં રાજપુત મહારાણી પદ્મમીને ગૌરવપુર્વક બતાડવામાં આવેલ છે અને તેમાં એવુ કશુ નથી જેમાં ઐતિહાસિક તથ્યોને તોડી મરોડીને રજુ કરવામાં આવેલ હોય.

 

 

(9:40 am IST)