Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગેરકાયદેસર બાંધકામનો આરોપ

સોનુ સુદ વિરૂધ્ધ બીએમસીએ દાખલ કર્યો કેસ

મુંબઇ તા. ૭ : અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ અને તેના ઘરને ગેરકાયદે બાંધકામ ગણાવ્યા બાદ હવે એકટર સોનુ સૂદની પણ મુસીબત વધી ગઇ છે. BMCની નજર સોનુના જુહૂમાં આવેલા ૬ માળના એ રહેણાંક બિલ્ડિંગ પર છે જેને લઇ કહેવાય છે કે એકટરે તેને એક હોટલમાં ફેરવી દીધી છે.

BMCની તરફથી સોનુ સૂદની વિરૂદ્ઘ કાયદાકીય કાર્યવાહી કરાઇ છે. પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે અને હવે કેસની તપાસ ચાલશે. સોનુ માટે રાહતની વાત એ છે કે હજુ સુધી પોલીસે કોઇ FIR કરી નથી. પરંતુ જો સોનુ આ કેસમાં દોષિત ગણાશે તો આ રહેણાંક બિલ્ડિંગ પર પણ BMC કાર્યવાહી કરી શકે છે. એકટરની વિરૂદ્ઘ એક ફરિયાદ કરાઇ છે. કહેવાય છે કે એકટરે રહેણાંક બિલ્ડિંગને હોટલમાં ફેરવતા પહેલાં કોઇ મંજૂરી લીધી નહોતી. તો રિપોર્ટસ એવો પણ આવ્યો છે કે સોનુને બીએમસની તરફથી નોટિસ મોકલાઇ હતી, પરંતુ તેને તેમણે નજરઅંદાજ કરી દીધી. તેમણે આ બિલ્ડિંગનું કામકાજ પણ ચાલુ રાખ્યું હતું.

એકટરને પહેલી નોટિસ ગયા વર્ષે ૨૭મી ઓકટોબરના રોજ મળી હતી. એ સમયે સોનુને એક મહિનાની અંદર જવાબ દાખલ કરવાનો હતો. પરંતુ તેણે આમ કર્યું નહીં. ત્યારબાદ આ વર્ષે ૪ જાન્યુઆરીના રોજ ફરીથી બીએમસીની તરફથી એ બિલ્ડિંગની મુલાકાત લેવાઇ. અધિકારીઓના મતે સોનુ એ વધુ ગેરકાયદે બાંધકામ કર્યું અને નોટિસનો જવાબ આપવાનું પણ યોગ્ય ના સમજયું.

આ વિવાદ પર સોનુ સૂદ કે પછી તેની ટીમની તરફથી કોઇપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. એવામાં આખા કેસને સમજવા માટે એકટરની તરફથી સ્પષ્ટતા આવવી જરૂરી છે. આમ તો સોનુ સૂદ સિવાય અત્યારે કંગના રનૌત સાથે પણ બીએમસીના ઘણા સંબંધો વણસ્યા છે. આ સંબંધ વધુ ખરાબ તો એટલા માટે થઇ ગયા કારણ કે તાજેતરમાં સિવિલ કોર્ટમાં કંગના રનૌતને મોટો ઝાટકો લાગ્યો છે. તેના ખારવાળા ઘરને ગેરકાયદે બાંધકામની શ્રેણીમાં રખાયું, તો એકટ્રેસની વિરૂદ્ઘ બીએમસીની નોટિસને પણ યોગ્ય ગણાવાઇ. હવે એકટ્રેસીસ હાઇકોર્ટના દરવાજા ખખડાવા જઇ રહી છે.

આમ તો સોનુ સૂદ આ વિવાદમાં ફસાવવું તેની છબીને પણ નુકસાન પહોંચાડનાર સાબિત થઇ શકે છે. કોરોના કાળમાં પોતાના કામથી જે એકટરે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે અને આ રીતે કેસમાં ફસાતા મુશ્કેલી વધી શકે છે.

(3:23 pm IST)