Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જેએનયુમાં પ્રદર્શન : સમર્થન કરવા દિપીકા પણ પહોંચી છે

કન્હૈયા કુમાર સાથે દિપીકા દેખાતા નવો વિવાદ : જેએનયુમાં લેફ્ટ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં દિપીકા પહોંચી

નવીદિલ્હી, તા. ૭: જેએનયુમાં હિંસા બાદ બોલીવુડ કલાકાર પણ નિવેદનબાજી અને પ્રદર્શન કરી રહ્યા છે. આજે મંગળવારના દિવસે દિપીકા પાદુકોણો જેએનયુ પહોંચી હતી અને કન્હૈયા કુમાર, આઈસી ઘોષની સાથે પ્રદર્શનમાં સામેલ થઇ હતી. જેએનયુમાં થયેલા હુમલાની સામે બોલીવુડના અનેક કલાકારો પણ મેદાનમાં આવ્યા છે જેમાં અનુરાગ કશ્યપ, અનુરાગ બાસુ, ગૌહર ખાન, વિશાલ ભારદ્વાજ, રિચા ચઠ્ઠા, રિમા કાગતી અને દિયા મિર્ઝાનો સમાવેશ થાય છે. જેએનયુમાં લેફ્ટના વિદ્યાર્થી પ્રદર્શનમાં કન્હૈયા કુમાર અને દિપીકા સામેલ થઇ હતી. કન્હૈયા કુમારે જયભીમના નારા લગાવ્યા હતા. દિપીકાએ પણ વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. ૧૦ મિનિટ સુધી કેમ્પસમાં રહ્યા બાદ દિપીકા પરત ફરી હતી.

સોશિયલ મિડિયા પર કેટલીક પ્રતિક્રિયા આવી છે. આલિયા ભટ્ટ, કૃતિ જેવા કલાકારો પણ પ્રતિક્રિયામાં આગળ આવ્યા છે. અનુરાગ કશ્યપે ઘટનાબાદ કહ્યું હતું કે, હવે હિન્દુ આતંકવાદની સ્થિતિ છે. જેએનયુએસયુના અધ્યક્ષની સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. જેએનયુ હિંસા મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસાની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ આજે કેમ્પસ પહોંચી હતી. જેએનયુ હોસ્ટેલમાં થયેલી હિંસાના મામલામાં વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ સહિત ૩૪ અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિભાગના નિષ્ણાતો આજે કેમ્પસ પહોંચ્યા હતા અને તપાસને દિશા આપવા માટે પુરાવા એકત્રિત કર્યા હતા. ફિઝિક્સ વિભાગની ટીમ હિંસા માટે ઉપયોગ કરવામાં આવેલા પથ્થર અને રોડને એકત્રિત કરીને આગળ વધ્યા હતા. આના મારફતે જ બુરખાધારી શખ્સોએ હોસ્ટેલમાં હિંસા ફેલાવી હતી. હિંસામાં જો કોઇ પ્રકારના રસાયણનો પ્રયોગ થયો છે તો કેમિકલ વિભાગની ટીમ તપાસ કરશે.

(10:02 pm IST)