Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ટ્રાફીકનો દંડ ઘટાડશો તો રાષ્ટ્રપતિ શાસન લાદશું

કેન્દ્રએ રાજ્ય સરકારોને આપી ચેતવણી

દિલ્હી, તા. ૭ :. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્ય મોટર વાહન (સંશોધન) અધિનિયમ ૨૦૧૯ના નિયમોનું પાલન નહિ કરનાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચેતવણી આપી છે. કેન્દ્રનું કહેવુ છે કે વાહન વ્યવહારના સુધારેલા નિયમો વિરૂદ્ધ જઈ દંડ વસુલ કરતા રાજ્યો પાસે આવો કોઈ અધિકાર નથી. જો કોઈ રાજ્ય સરકાર નિયમોની વિરૂદ્ધ જઈને દંડની રકમ ઘટાડી દયે તો તેને બંધારણ જોગવાઈઓનું ઉલ્લંઘન માની કેન્દ્ર ત્યાં રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યુ છે કે કોઈપણ રાજ્ય મોટર વાહન સંશોધન અધિનિયમ ૨૦૧૯ની કાયદેસરની જોગવાઈઓ હેઠળ નક્કી કરવામાં આવેલ દંડ તેની નિર્ધારીત સીમાથી ઓછો કરી ન શકે. મંત્રાલયે કહ્યુ છે કે કોઈપણ કાનૂનને કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા ત્યાં સુધી લાગુ ન કરી શકે કે જ્યાં સુધી તેને રાષ્ટ્રપતિની મંજુરી ન મળે.

મંત્રાલયે રાજ્યોને મોકલેલા પત્રોમાં કહ્યુ છે કે આ અધિનિયમને સંસદે પસાર કરેલ છે તેથી રાજ્ય દંડની સીમાને ઘટાડવાને લઈને કોઈ કાનૂન પાસ કરી ન શકે.

સરકારને એવી માહિતી મળી શકે કે ગુજરાત, કર્ણાટક, મણીપુર અને ઉત્તરાખંડમાં કેન્દ્રના કાનૂન વિરૂદ્ધ જઈને કેટલાક ગુન્હામાં દંડની રકમ ઓછી કરવામાં આવી છે.

(11:31 am IST)