Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કોલકાતા : જેએનયુ બાદ હવે જાધવપુર ખાતે થયેલી હિંસા

જાધવપુર યુનિવર્સિટી નજીક જોરદાર લાઠીચાર્જ : જેએનયુમાં હિંસાને લઇ દેશના જુદા જુદા ભાગોમાં પ્રદર્શનો

કોલકાતા, તા. ૬ : દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારના દિવસે હિંસક હુમલા બાદ આજે કોલકાતાની જાધવપુર યુનિવર્સિટી સુધી હિંસાની આગ પહોંચી હતી. જેએનયુની ઘટનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ભાજપની રેલી વચ્ચે સંઘર્ષને ધ્યાનમાં લઇને પોલીસને લાઠીચાર્જ કરીને સ્થિતિને કાબૂમાં કરવાના પ્રયાસ કરાયા હતા. બંગાળના પાટનગર કોલકાતામાં જેએનયુની ઘટનાના વિરોધમાં જાધવપુરના વિદ્યાર્થીઓ દેખાવ કરી રહ્યા હતા. આ ગાળા દરમિયાન જ ભાજપ તરફથી રેલી પણ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રેલી અને ભાજપની રેલી આમને સામને આવી હતી જેથી પથ્થરબાજી શરૂ થઇ ગઇ હતી.

            પોલીસના બેરિકેડ તોડી દેવામાં આવ્યા હતા. સ્થિતિ વણસી જતાં પોલીસને સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન જેએનયુની ઘટનાને લઇને જારી છે. આજે હૈદરાબાદ, ચેન્નાઈ, અલ્હાબાદ, અલીગઢ યુનિવર્સીટીમાં પણ દેખાવો થયા હતા.દિલ્હીમાં જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી ખાતે હિંસા થયા બાદ એક દિવસ પછી પણ વિસ્ફોટ્ક સ્થિતી પ્રવર્તી રહી છે. પોલીસ દ્વારા હિંસાના સંબંધમાં આખરે એફઆઇઆર દાખલ કરી છે.આ મામલે પોલીસે એક્શનમાં આવીને તોફાની શખ્સોને ઓળખી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. બીજી બાજુ દિલ્હીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારના દિવસે થયેલી હિંસાના મામલામાં રાજનીતિ ગરમ બની ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાક્રમની નિંદા કરીને તપાસની માંગ કરી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી દ્વારા પણ હિંસાના મામલામાં તપાસની માંગ કરી છે.

(12:00 am IST)