Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

તીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ ૧૫૫ પોઇન્ટ ઉછળીને બંધ

ઇન્ફોસીસ-ટીસીએસના શેરમાં જોરદાર ઉછાળો : સેંસેક્સ અંતે લેવાલીના દોર વચ્ચે ૩૫૮૫૦ અને નિફ્ટી ૧૦૭૭૨ની સપાટી ઉપર : રિયાલીટીમાં ૧.૨ ટકા વૃદ્ધિ

મુંબઇ,તા. ૭ :  શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં જોરદાર તેજી રહ્યા બાદ અંત સુધી તેજીનો માહોલ રહ્યો હતો. આઈટી અને રિયાલીટીના શેરમાં લેવાલી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૫૫ પોઇન્ટ ઉછળીને ૩૫૮૫૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૪૪ પોઇન્ટ ઉછળીને ૧૦૭૭૨ની સપાટીએઅ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. ટીસીએસના શેરમાં પણ આજે જોરદાર ઉછાળો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટીમાં પણ ૧.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વ્યક્તિગત શેરોમાં બંધન બેંકના શેરમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં પાંચ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૫૧૫૨ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ નવ પોઇન્ટ ઉછળીને ૧૪૬૦૧ની સપાટીએ રહ્યો હતો. મહાકાય કંપનીઓ દ્વારા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જેમાં આઈટીની દિગ્ગજ કંપની ટીસીએસનો સમાવેશ થાય છે. ટીસીએસ ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામ ૧૦મી જાન્યુઆરીના દિવસે જાહેર કરશે. બીજી આઈટીની દિગ્ગજ કંપની ઇન્ફોસીસ પણ શુક્રવારના દિવસે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરશે. અન્ય કંપનીઓમાં ટાટા એલેક્ષી ૮મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરશે. બજાજ કોર્પ, ઇન્ડસઇન્ડ બેંક ગુરૂવારના દિવસે પરિણામ જાહેર કરશે. કર્ણાટક બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૧૧મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરનાર છે. આર્થિક મોરચા ઉપર વાત કરવામાં આવે તો દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં નવેમ્બરના આંકડા ૧૧મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન ઓક્ટોબર ૨૦૧૮માં ૮.૧ ટકા

વધી ગયો હતો જે ગયા વર્ષે આ મહિનામાં ૪.૫ ટકા હતો. ચીનમાં ફુગાવાના આંકડા ૧૦મી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવનાર છે. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી.આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરૂપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી.  માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો  હતો. સેંસેક્સમાં  વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો  હતો.  બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.  સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો  હતો.

(8:14 pm IST)