Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સવર્ણોને અનામત પ્રશ્ને ટેકાની અરવિંદ કેજરીવાલની ઘોષણા

એએપી-એનસીપી દ્વારા ટેકો આપવાની જાહેરાત : ચૂંટણી પહેલા સંસદમાં બંધારણીય સુધારા બિલ રજૂ કરવા કેજરીવાલ દ્વારા ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંકાયો

નવી દિલ્હી, તા. ૭ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગરીબ સવર્ણોને અનામત આપવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ટેકો આપ્યો છે. સાથે સાથે શરદ પવારની પાર્ટી એનસીપીએ પણ ટેકો આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આ સંદર્ભમાં સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી દીધી છે. કેજરીવાલે ઇશારા ઇશારામાં આને ભાજપના ચૂંટણી સ્ટંટ તરીકે પણ ગણાવીને ટકોર કરી છે. ટ્વિટ પર કેજરીવાલે કહ્યું છે કે, ચૂંટણી પહેલા ભાજપ સરકાર સંસદમાં બંધારણીય સુધારા બિલ રજૂ કરે તેમ અમે ઇચ્છીએ છે. અમે સરકારનો સાથ આપીશું. જો ચૂંટણી પહેલા આને રજૂ કરવામાં નહીં આવે તો એમ માનવામાં આવશે કે ભાજપે માત્ર સ્ટંટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. બીજી બાજુ પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે પણ મોદી સરકારના આ નિર્ણય સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આર્થિકરીતે નબળા સવર્ણ જાતિઓ માટે મોદી સરકારે ૧૦ ટકા અનામતનું સ્વાગતરૂપ ચૂંટણી વચન આપી દીધું છે. જો કે તેમણે કહ્યું હતું કે, ૫૦ ટકાથી વધુ અનામત ઉપર કોર્ટે પ્રતિબંધ મુક્યો છે. આવી સ્થિતિમાં કઈરીતે આગળ વધવામાં આવશે તેને લઇને પ્રશ્ન થઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મખ્યમંત્રી હરિશ રાવતે પણ આને ચૂંટણી સ્ટંટ તરીકે ગણાવીને વિલંબથી લેવામાં આવેલા પગલા તરીકે આને ગણાવીને ટિકા કરી છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણી નજીક આવી છે ત્યારે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે આર્થિકરીતે નબળા સવર્ણ જાતિઓને શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, લાભાર્થીઓની શ્રેણીમાં આવનાર માટે કેટલીક શરતો મુકવામાં આવી છે. સરકાર દ્વારા નિવેદન કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનું મોજુ ફરી વળ્યં છે.

 

(7:57 pm IST)