Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આનંદો... સવર્ણોને ૧૦ ટકા અનામત

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોકઃ સરકારી નોકરીઓ-શિક્ષણમાં ગરીબ સવર્ણોને મળશે અનામતનો લાભઃ કાલે સરકાર બંધારણીય સુધારો સંસદમાં રજૂ કરશેઃ એસસી-એસટી એકટથી નારાજ અપર કલાસના વર્ગના લોકોને રાજી કરવા સરકારનો પ્રયાસઃ મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબીનેટમાં અનામત અંગે લેવાયો ઐતિહાસિક નિર્ણય : : ૧૦ ટકા અનામતને અમલી કરવા માટે ભારતીય બંધારણમાં સુધારા કરવાની જરૂર રહેશે : વિરોધ કરનારી પાર્ટીઓને લોકસભા ચૂંટણીમાં મુશ્કેલી નડશે

નવીદિલ્હી, તા. ૭ : લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ધારણા પ્રમાણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વધુને વધુ આક્રમક બની રહ્યા છે અને માસ્ટર સ્ટ્રોક રમવાની શરૂઆત કરી ચુક્યા છે. આના ભાગરુપે જ આજે એક માસ્ટરસ્ટ્રોક રમીને કેન્દ્રીય કેબિનેટે ઉચ્ચ જાતિ અથવા તો ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી. ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતના ક્વોટાને વધારવાની  હલચાલ ધરાવે છે. ભારતીય બંધારણમાં આર્થિક આધાર પર અનામતની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સરકારની પાસે ગેમચેન્જર ગણાતી આ હિલચાલને અમલી કરવા માટે બંધારણીય સુધારાનો એકમાત્ર રસ્તો રહેલો છે. અનામત ક્વોટા ૪૯.૫ ટકાથી વધારીને ૫૯.૫ ટકા કરવામાં આવશે જેના ભાગરુપે ૧૦ ટકા ક્વોટાને આર્થિકરીતે નબળા વર્ગને આવરી લેવા માટે રહેશે. લાંબા સમયથી આર્થિકરીતે નબળા સવર્ણો માટે અનામતની માંગ કરવામાં આવી રહી હતી. મિડિયા રિપોર્ટની વાત કરવામાં આવે તો જે લોકોની પારિવારિક આવક ૮ લાખ રૂપિયાથી વાર્ષિક ઓછી છે તે લોકોને આનો ફાયદો થશે. આની સાથે સાથે શહેરમાં ૧૦૦૦ સ્કેવરફુટથી નાના મકાન અને પાંચ એકરથી ઓછી કૃષિ જમીનની શરત પણ આમા ઉમેરવામાં આવી છે. થોડાક દિવસ પહેલા જ એસસી અને એસટી એક્ટ પર મોદી સરકારના નિર્ણય બાદ સવર્ણ જાતિઓમાં નારાજગી જોવા મળી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મળેલી હારને ધ્યાનમાં લઇને આને સવર્ણ લોકોને પોતાની તરફેણમાં લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. કેન્દ્ર સરકારે આર્થિકરીતે પછાત સવર્ણો માટે ૧૦ ટકાના ક્વોટાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે પરંતુ તેને પસાર કરવાની બાબત હજુ મુશ્કેલ દેખાઈ રહી છે. સરકારને આના માટે બંધારણમાં સુધારા કરવાના રહેશે. સંસદમાં અન્ય પક્ષોના સમર્થનની પણ જરૂર રહેશે. કેબિનેટે આ પ્રસ્તાવ મંજુર કરતાની સાથે જ કોંગ્રેસ, એનસીપી અને આમ આદમી પાર્ટીએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ આ મોટો દાવ રમ્યો છે અને ૧૦ ટકા અનામતનો માસ્ટરસ્ટ્રોક રમી દીધો છે. એસસી અને એસટી અનામત સાથે જોડાયેલા વટહુકમ પર સામાન્ય વર્ગની નારાજગીનો સામનો કરી રહેલી ભાજપ સરકારને આ પ્રસ્તાવથી ખુશી દેખાઈ રહી છે. ત્રણ રાજ્યોમાં હાર થયા બાદ સામાન્ય વર્ગના લોકોને ખુશ કરવાના હેતુસર આ હિલચાલ જોવામાં આવે છે. જનરલ કેટેગરીના લોકો ભાજપના પરંપરાગત વોટબેંક તરીકે છે. આવી સ્થિતિમાં ૨૦૧૯થી પહેલા સવર્ણોની નારાજગી ઘટાડવાની બાબત ખુબ ઉપયોગી બની ગઈ હતી. સરકારે આ પ્રસ્તાવને મંજુરી આપીને સવર્ણોને ફરીથી પોતાની પાસે લાવવાના પ્રયાસ કરી દીધા છે.

 

(7:50 pm IST)