Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાફેલ સોદામાં જેપીસી તપાસ ન કરાવવા માટે મોદી સરકારને છે ડર

રાફેલ સોદ્દો બંધ થવાનું નામ નથી લેતોઃ જે સરકાર જેપીસી નીમે છે તે સત્તા ગુમાવે છે

નવી દિલ્હી તા.૭: વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાફેલ મુદ્દે શરૂ થયેલ ધમાલ રોકાવાનું નામ નથી લેતી ચોમાસું સત્ર પછી શિયાળુ સત્રમાં પણ તેના પર ચર્ચા થઇ. વિરોધપક્ષોના સવાલોના જવાબ આપવા માટે સરકાર તરફથી નાણામંત્રી અરૂણ જેટલી અને રક્ષામંત્રી નિર્મલા સીતારામને મોર્ચો સંભાળ્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ સોદાની તપાસ માટે જેપીસી નિમવાની માંગણી ફરી એકવાર  કરી હતી. પણ સરકાર જેપીસીની તપાસ માટે ના પાડી રહી છે. જેપીસી તપાસ સાથે એક સંયોગ જોડાયેલો છે, કદાય એટલે જ સરકાર તેની ના પાડે છે.

દેશના ઇતિહાસમાં અત્યાર સુધીમાં છ વાર જેપીસી નિમાઇ છે. સંયોગ એવો છે કે જે પણ સરકારે જેપીસી નિમી છે ફરીથી સત્તા પર પાછી નથી આવી. બોફોર્સ તોપ સોદાને લઇને પહેલીવાર જેપીસીનું નિર્માણ થયું હતું, ત્યારપછી કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી.

બોફોર્સ તોપ સોદાની તપાસ માટે ઓગસ્ટ ૧૯૮૭માં પહેલી જેપીસીની રચના થઇ હતી. રાજીવગાંધી સરકારમાં રક્ષામંત્રી કેસી પંતે ૬ ઓગસ્ટ ૧૯૮૭નાં રોજ લોકસભામાં જેપીસીનો પ્રસ્તાવ મુકયો હતો. ૧૨ ઓગસ્ટે રાજયસભામાં તેને મંજુરી મળી હતી. ત્યારબાદ સરકારે કોંગ્રેસી નેતા બી. શંકરાનંદની અધ્યક્ષતામાં જેપીસીનું નિર્માણ કર્યું હતું. તેમાં લોકસભાનાં ૨૦ અને રાજયસભાનાં ૧૦ સભ્યો હતા. ૫૦ બેઠકોમાં તપાસ પછી જેપીસીએ ૨૬ એપ્રિલ ૧૯૮૮એ પોતાનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં કોંગ્રેસ સરકારને કલીનચીટ અપાઇ હતી પણ તેના પછી થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.

૧૯૯૨માં શેર બજાર કોૈભાંડને લીધે ત્યારના વડાપ્રધાન પી.વી. નરસિંહા રાવે બીજીવાર જેપીસીની રચના કરી હતી. કોંગ્રેસી નેતા રામનિવાસ મિર્ધાને તેના ચેરમેન બનાવાય હતા. આ જેપીસીએ આપેલ રિપોર્ટનો સ્વીકાર નહોતો થયો. જોકે કોંગ્રેસ સરકાર ફરી એક વાર સત્તામાંથી બહાર થઇ ગઇ હતી.

૨૦૦૧માં કેતન પારેખ શેરબજાર કોૈભાંડ માટે ત્રીજીવાર જેપીસીની રચના થઇ હતી. ત્યારે વાજપેયી સરકાર વતી ૧૦૫ વખત બેઠક કર્યા પછી ભાજપાના વરિષ્ઠ નેતા પ્રકાશમણી ત્રિપાઠીના અધ્યક્ષ પદ હેઠળની જેપીસીએ પોતાનો રિપોર્ટ ૧૯ ડીસેમ્બર ૨૦૦૨માં સોંપ્યો હતો. જેમાં શેર બજારના નિયમો અને કાયદાઓમાં ફેરફારની ભલામણ કરાઇ હતી. પાછળથી તેમાં સુચવાયેલ ફેરફારો ને બદલાવીને નરમ કરી દેવાયા હતા.

વાજપેયીની સરકાર દરમ્યાન જ સોફટડ્રીંકમાં પેસ્ટીસાઇડની તપાસ માટે ૨૦૦૩માં જેપીસીની રચના થઇ હતી. એનસીપી અધ્યક્ષ શરદ પવારને તેના ચેરમેન બનાવાય હતા. ૧૭ બેઠકો પછી ૪ ફેબ્રુઆરી ૨૦૧૪માં સોંપાયેલ રિપોર્ટમાં જેપીસીએ સ્વીકાર્યું હતું કે પીણાઓમાં નક્કી કરાયેલી માત્રાથી વધારે પેસ્ટીસાઇડ ભેળવવામાં આવે છે, વાજપેયી સરકારમાં બે વાર જેપીસીની રચના થઇ હતી. જે ભાજપા સરકાર માટે પનોતી સાબિત થઇ કેમકે ૨૦૦૪ની ચૂંટણીમાં વાજપેયી સરકાર સત્તા ન મેળવી શકી.

૨૦૧૧માં ર જી સ્પેકટ્રમ મામલે મનમોહનસિંહ સરકારે કોંગ્રેસી નેતા પી.સી. ચાકોની અધ્યક્ષતામાં જેપીસીની રચના કરી હતી. ૩૦ સભ્યોની આ જેપીસીમાં કોંગ્રેસ અને ભાજપાના ૧૫-૧૫ સભ્યો હતા. જેપીસી એ પોતાના રિપોર્ટમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને નાણામંત્રી પી.ચિદમ્બરમ ને બધા આરોપોમાંથી કલીનચીટ આપી હતી.

૨૦૧૩માં ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપની સાથે થયેલ સોદામાં મનમોહન સરકાર પર ૩૬૦૦ કરોડ રૂપિયાના ૧૨ હેલિકોપ્ટર્સની ખરીદીમાં ૩૬૨ કરોડ રૂપિયાની લાંચનો આરોપ મુકાયો હતો. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ તેના માટે જેપીસીની રચના કરાઇ હતી.

વાજપેયી સરકારની જેમ જ મનમોહનસિંહ સરકારે પણ બે વાર જેપીસીની રચના કરી હતી અને પછીની ચૂંટણીમાં કોંગ્રેની નાવડી પણ ડુબી ગઇ હતી. (૧.૨૩)

(2:32 pm IST)