Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સબરીમાલા ગુંચ વચ્ચે હજુ સુધી ૧૦ મહિલાની એન્ટ્રી

સબરીમાલા મંદિર વિવાદથી સ્થિતિ હજુ તંગ : મંદિર, આસપાસના વિસ્તારોમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા

કન્નુર,તા. ૬ : સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને ફેલાયેલી તંગદિલી સતત વધી રહી છે. કેરળ પોલીસે દાવો કર્યો છે કે, ત્રણ મલેશિયન સહિત ૧૦ મહિલાઓ હજુ સુધી દર્શન કરી ચુકી છે. આને લઇને નારાજગી વધી જવાના સંકેત દેખાઈ રહ્યા છે. પોલીસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, પહેલી જાન્યુઆરીથી હજુ સુધી મંદિરમાં ૫૦ વર્ષથી ઓછી વયની ચાર મહિલાઓની સૂચના મળી છે પરંતુ આ અહેવાલને સમર્થન મળી રહ્યું નથી. બીજી બાજુ મંદિરમાં પ્રવેશ કરનાર મહિલાઓની સંખ્યા ૧૦ ઉપર પહોંચી ગઈ છે. પોલીસે આ મહિલાઓ અંગે માહિતી પણ એકત્રિત કરી લીધી છે. કોર્ટ દ્વારા પુછવામાં આવવાની સ્થિતિમાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મહિલાઓના પ્રવેશને લઇને હોબાળો જારી રહ્યો છે. હવે વધુ એક મહિલાનો ફોટો વાયરલ થયો છે. મલેશિયન મહિલાઓને કોઇપણ જગ્યાએ રોકવામાં આવી ન હતી. સબરીમાલા વિવાદ વચ્ચે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હિંસાની ઘટનાઓને ધ્યાનમાં લઈને સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. હિંસાઓને ઘટનાઓને લઈને હજુ સુધી ૩૧૭૮ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે અને ધરપકડનો સિલસિલો જારી રહ્યો છે. રાજ્યમાં થયેલી હિંસાને લઈને ૩૭૯૭૯ લોકોની સામે કુલ ૧૨૮૬ કેસ દાખલ કરવામાં આવી ચુક્યા છે. દેખાવકારોએ પોલીસ અને મીડિયાને પણ ટાર્ગેટ બનાવ્યા છે. કેટલાક સંગઠનો દ્વારા બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ સામેના વિરોધમાં ગયા ગુરૂવારના દિવસે રાજ્યવ્પાપી બંધની હાકલ કરવામાં આવી હતી.બંધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. સબરીમાલાને લઇને વણસી ગયેલી સ્થિતિ બાદ સાવચેતીના તમામ પગલા લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.  હજુ સુધીની હિંસામાં ૭૪૫ની ધરપકડ કરવામાં આવી ચુકી છે. હિંસામાં એકનું મોત થયું છે. ૬૨૮ લોકોને અટકાયતી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

૫૫૯ કેસો નોંધવામાં આવી ચુક્યા છે. ૩૫થી વધુ મકાનો અને ઓફિસોમાં તોડફોડ કરીને આગ ચાંપવામાં આવી હતી. ૧૦૦થી વધારે બસો ઉપર હુમલા કરવામાં આવી ચુક્યા છે. કેરળમાં કેએસઆરટીસીને ૩.૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૧૦ પત્રકારો પણ હિંસાનો શિકાર થયા છે. મહિલાઓના મંદિરમાં પ્રવેશને લઇને ઠેર ઠેર હિંસાઓ જારી રહી છે. હજુ પણ પોલીસ સામે ઘણા પડકારો રહેલા છે.

(12:00 am IST)