Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2023

ભાજપને પરાસ્ત કરવા વિપક્ષોએ ભાજપની તાકાત સમજવી પડશેઃ પ્રશાંત કિશોર

ચૂંટણી રણનીતિકારે ભાજપ સામે વિજય માટે વિપક્ષોને સલાહ આપી ઃ હિન્દુત્વ સાથેસંકળાયેલો એક મોટો વર્ગ ભાજપને એટલા માટે વોટ આપે છે કેમ કે તેમને ભાજપની હિન્દુત્વની વિચારધારા પર વિશ્વાસ

નવી દિલ્હી, તા.૬ :  ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણાની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતના ચાર મોટાં કારણ જણાવ્યાં છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપને વિપક્ષી દળો પરાજિત કરવા તો માગે છે પણ તેમણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે ભાજપની તાકાત શું છે?

ભાજપની જીતના ચાર કારણ

પ્રથમ કારણઃ દરભંગાના સિંહવાડામાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર (પીકે) એ કહ્યું કે ભાજપને વોટ મળવાના ૪ કારણો છે. જેમાં પ્રથમ હિન્દુત્વ છે જે તેમની એક વિચારધારા છે. હિન્દુત્વ સાથેસંકળાયેલો એક મોટો વર્ગ ભાજપને એટલા માટે વોટ આપે છે કેમ કે તેમને ભાજપની હિન્દુત્વની વિચારધારા પર વિશ્વાસ છે.

બીજું કારણઃ ન્યૂ રાષ્ટ્રવાદને બીજું કારણ ગણાવતાં પ્રશાંત કિશોરે કહ્યું કે ગામડા અને દેહાતના લોકો સાંભળે છે કે ભારત વિશ્વગુરુ બની ગયો છે, સમગ્ર વિશ્વમાં ભારતની શાન મોદીએ વધારી દીધી છે. આ રાષ્ટ્રવાદની ભાવનાને લીધે પણ ભાજપને વોટ મળે છે. ત્રીજું કારણઃ કેન્દ્ર દ્વારા લવાયેલી યોજનાઓનો ઉલ્લેખ કરતાં પ્રશાંત કિશોરે કહ્યું કે એક મોટો વર્ગ કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓનો છે. જેમાં ખેડૂત સન્માન યોજના અને આવાસ યોજનાની રકમ સીધી કેન્દ્ર સરકાર લાભાર્થીઓને મોકલી રહી છે.

ચોથું કારણઃ પ્રશાંતકિશોરે ભાજપના વિજય માટે ચોથું કારણ સંગઠનને ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપનું પોતાનું સંગઠન છે. તેની જે સંગઠનાત્મક અને આર્થિક તાકાત છે તેનાથી પણ ઘણો ફેર પડે છે. 

પ્રશાંત કિશોરે વિપક્ષી દળોને કહ્યું કે જ્યાં સુધી તમે ભાજપની તાકાતને સારી રીતે સમજીને તેમના કરતાં વધારે શ્રેષ્ઠ પ્રયાસ નહીં કરો ત્યાં સુધી લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે અને તમને વોટ પણ નહીં આપે. ભાજપને જે વોટ મળે છે તે મોદીનો ગ્રાફ ઉપર-નીચે થવાથી નથી મળતાં. તેમણે કહ્યું ફક્ત મોદીની લોકપ્રિયતાના આધારે ભાજપ જીતી રહ્યો નથી.  ભાજપને હરાવવા માટે તમારી પાસે તેના કરતાં શ્રેષ્ઠ મોડેલ જરૃરી છે. તેમણે કહ્યું કે આ કારણો પર તમે પ્રયાસ નહીં કરો તો તમારે ૧૦માંથી ૭ કે ૮ ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડશે. એક બે જગ્યાએ જીતી પણ જશો તેની કોઈ ખાસ અસર થવાની નથી. લોકો કેસીઆર વિરુદ્ધ વોટ આપવા માગતા હતા અને ત્યાં પક્ષ તરીકે કોંગ્રેસની જ હાજરી હતી એટલે કોંગ્રેસને વોટ મળ્યાં. આ ઈનકમ્બન્સીનો વોટ છે.

 

(7:18 pm IST)