Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

લખીમપુર હિંસા :આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓની મુશ્કેલી વધી આરોપીઓ વિરુદ્વ કાયદાની કલમો વધારવાની અરજીને કોર્ટની મંજૂરી

 હત્યાના કેસમાં CJM કોર્ટ દ્વારા આશીષ મિશ્રા પર કલમ 302, 307 અને 147 અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો 

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકો પર હત્યાના આરોપ નક્કી કરાયા છે. આ હિંસા સમયે મૃત્યુ પામેલા ખેડૂતોના કેસમાં આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્વ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી કરીને આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ કેસમાં 16 ડિસેમ્બરથી ટ્રાયલ શરુ થશે. આ હત્યાના કેસમાં CJM કોર્ટ દ્વારા આશીષ મિશ્રા પર કલમ 302, 307 અને 147 અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

  આ કેસમાં તપાસ માટે બનાવવામાં આવેલી SIT દ્વારા આ હિંસાને ષડયંત્ર ગણાવવામાં આવ્યુ છે. આ હત્યાના આરોપીઓ વિરુદ્વ કાયદાની કલમો વધારવા માટે SITના તપાસ અધિકારીઓએ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી અપાતા આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓની મુશ્કેલી વધી છે

 

કલમ 147: ભારતીય દંડ સંહિતાની કલમ 147 રમખાણો સાથે સંબંધિત છે. આ કલમ તેના પર લાદવામાં આવે છે જેના પર ઉપદ્રવ પેદા કરવાનો આરોપ છે. દોષિત ઠેરવવા પર બે વર્ષ સુધીની મુદત માટે કેદ અથવા દંડ અથવા બંને સાથે લાદવામાં આવી શકે છે. તે જામીનપાત્ર ગુનો છે એટલે કે આરોપીને જામીન મળી શકે છે.

કલમ 302: IPCની કલમ 302 હત્યા સાથે સંબંધિત છે. જો આરોપી દોષિત સાબિત થાય તો તેને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે. અથવા સજા અને દંડ બંને લાદવામાં આવી શકે છે. જો કે આ કેસમાં સજા સંભળાવતા પહેલા એ પણ જોવામાં આવે છે કે હત્યા પાછળનો હેતુ શું હતો. જો કોઈ ઈરાદા વગર મૃત્યુ પામે છે તો તે કેસ 302 હેઠળ આવતો નથી.

કલમ 307: ભારતીય કાયદાની સત્તાવાર વેબસાઈટ અનુસાર ભારતીય દંડ સંહિતાની કલમ 307 હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે. કલમ 307 લાગુ કરવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ જાય છે. આવા કિસ્સામાં, હુમલો કરનાર વ્યક્તિ સામે કલમ 307 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જો હત્યાના પ્રયાસનો આરોપી કલમ 307માં દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. આ સાથે દંડ પણ થઈ શકે છે. જે વ્યક્તિ પર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, જો તેને ગંભીર ઈજા થાય તો ગુનેગારને આજીવન કેદની સજા પણ થઈ શકે છે

(7:50 pm IST)