Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન: પોલીસ દ્વારા વોટર કેનનનો ઉપયોગ

કર્ણાટક રક્ષણ વૈદિક સંગઠનના કાર્યકર્તાઓ એ રસ્તા પર ઉતર્યા : બેલગાવીના બેગેવાડીમાં મહારાષ્ટ્રની ટ્રકો પર પથ્થરમારો કર્યો: અનેકની અટકાયત

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ વધી ગયો છે. કર્ણાટક રક્ષણ વૈદિક સંગઠને બેલગાવીમાં મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદને લઇને વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર વૉટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

કર્ણાટક રક્ષણ વૈદિક સંગઠનના કાર્યકર્તાઓએ બેલગાવીના બેગેવાડીમાં મહારાષ્ટ્રની ટ્રકો પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન કર્ણાટક રક્ષક વૈદિક સંગઠનના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને નારેબાજી કરી હતી. જોકે, ઘટના પર હાજર કર્ણાટક પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બેલગાવીની નજીક બેગેવાડીમાં બનેલી ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. સીએમ બોમ્મઇએ કહ્યુ કે દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમણે ફડણવીસને આશ્વાસન આપ્યુ કે મહારાષ્ટ્રથી આવનારા વાહનોની સુરક્ષા કરવામાં આવશે.

 

જોકે, સીમા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી શંભૂરાજ દેસાઇએ મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા પર પ્રતિક્રિયા આપી છે, તેમણે કહ્યુ કે તેમણે પોતાની યાત્રાને સ્થગિત કરી છે, તેને રદ નથી કરવામાં આવી. મંત્રી શંભૂરાજ દેસાઇએ કહ્યુ કે આજે અમે બેલગાવીમાં સીમા ક્ષેત્રનો પ્રવાસ કરવા માંગતા હતા, આ મામલે અમે કર્ણાટક સરકારને જાણ કરી હતી. લોકો સાથે સીમા મુદ્દા પર ચર્ચા કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેથી આ ઘટનામાં શાંતિપૂર્ણ સમાધાન કાઢી શકાય.

જાણકારી અનુસાર, બેલગામ અને બેલગાવી વર્તમાનમાં કર્ણાટકનો ભાગ છે પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય બેલગાવીને લઇને પોતાનો દાવો કરતુ રહ્યુ છે. કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ વધ્યા બાદ ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યુ છે.

 

(6:58 pm IST)