Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ' ફિલ્‍મના દિગ્‍દર્શક વિવેક અગ્નિહોત્રીએ હિંસા કેસમાં દિલ્‍હી હાઇકોર્ટમાં બિનશરતી માફી માંગી

16 માર્ચે કોટમાં હાજર થવા આદેશ

મુંબઇઃ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ' ફિલ્‍મના દિગ્‍દર્શક વિવેક અગ્નિહોત્રીએ કોર્ટમાં માફી માંગી છે.

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ ભીમા કોરેગાંવ હિંસા કેસમાં કોર્ટની અવમાનના બદલ દિલ્હી હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી છે. અગ્નિહોત્રીએ ભીમા કોરેગાંવ હિંસા કેસમાં આરોપી કાર્યકર ગૌતમ નવલખાને જામીન આપનાર તત્કાલિન ન્યાયમૂર્તિ એસ મુરલીધર પર પક્ષપાતનો આરોપ લગાવતી ટિપ્પણી કરી હતી. માફી માંગ્યા બાદ પણ કોર્ટે વિવેક અગ્નિહોત્રીને 16 માર્ચ 2023ના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી તે જ દિવસે થશે.

વિવેક અગ્નિહોત્રીએ માફી માંગી હતી જ્યારે વિવેક સહિત અન્ય લોકોએ કોર્ટના આદેશ છતાં જવાબ દાખલ કર્યો ન હતો. કોર્ટે અગ્નિહોત્રી, આનંદ રંગનાથન અને સ્વરાજ્ય ન્યૂઝ પોર્ટલ સામે હાઈકોર્ટ દ્વારા એકસ-પાર્ટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ તલવંત સિંહની ખંડપીઠે એફિડેવિટ પર વિચાર કર્યા બાદ આ મામલાની સુનાવણી 16 માર્ચ સુધી મુલતવી રાખી છે. કોર્ટે વિવેક અગ્નિહોત્રીને 16 માર્ચે જ હાજર થવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે આ મામલો કોર્ટ દ્વારા પોતાની રીતે શરૂ કરવામાં આવ્યો છે, તેથી વિવેક અગ્નિહોત્રીને આગામી તારીખે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

જ્યારે ગૌતમ નવલખાને જામીન આપવામાં આવ્યા ત્યારે એક લાંબા ટ્વીટ થ્રેડમાં વિવેકે નવલખા અને ન્યાયમૂર્તિ મુરલીધર વચ્ચેના ક્નેક્શનનો દાવો કર્યો હતો. દાખલા તરીકે, તેમણે લખ્યું, “જસ્ટિસ મુરલીધરના પત્ની – ઉષા રામનાથન – ગૌતમ નવલખાની નજીકના મિત્ર છે.”

બાર એન્ડ બેન્ચમાં છપાયેલા અહેવાલ મુજબ, થોડા સમય પહેલા દિલ્હી હાઈકોર્ટે વિવેક અગ્નિહોત્રી, આનંદ રંગનાથન અને સ્વરાજ્ય ન્યૂઝ પોર્ટલ વિરુદ્ધ નોટિસ જારી કરી હતી. આ પછી આ માફી આવી છે. માફીની સાથે વિવેકે પોતાની ટ્વિટ પણ ડિલીટ કરી દીધી હતી.

(5:27 pm IST)