Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મથુરાઃ શાહી ઈદગાહ મસ્‍જિદ તરફ જઈ રહેલા હિન્‍દુ મહાસભાના નેતાની ધરપકડઃ મસ્‍જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની કરી હતી જાહેરાત

અધિક પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહે કહ્યું કે, સોમવારે હિંદુવાદી સંગઠનોના સાત-આઠ અન્‍ય નેતાઓને પણ અલગ-અલગ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સ્‍થિત તેમના આવાસ પર નજરકેદ કરવામાં આવ્‍યા હતા

મથુરા, તા.૬: ઉત્તર પ્રદેશના મથુરામાં ભગવાન શ્રી કળષ્‍ણ જન્‍મભૂમિ સંકુલમાં સ્‍થિત શાહી ઇદગાહ મસ્‍જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહેલા હિન્‍દુ મહાસભાના આગ્રા પ્રભારીને પોલીસે મંગળવારે ભૂતેશ્વર તિરાહે ખાતેથી ધરપકડ કરી હતી. અધિક પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્‍યું હતું કે, લડ્ડુ ગોપાલના જલાભિષેક અને મસ્‍જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા હિન્‍દુ મહાસભાની જાહેરાતને ધ્‍યાનમાં રાખીને શાહી ઇદગાહ તરફ જવાનો પ્રયાસ કરી રહેલા મહાસભાના આગ્રા યુનિટના પ્રભારી સૌરભ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

માર્તંડ પ્રકાશ સિંહે કહ્યું કે, સોમવારે હિંદુવાદી સંગઠનોના સાત-આઠ અન્‍ય નેતાઓને પણ અલગ-અલગ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સ્‍થિત તેમના આવાસ પર નજરકેદ કરવામાં આવ્‍યા હતા. તેમણે કહ્યું કે અખિલ ભારત હિન્‍દુ મહાસભા દ્વારા શાહી ઈદગાહ મસ્‍જિદમાં લડ્ડુ ગોપાલના જલાભિષેક અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાતને ધ્‍યાનમાં રાખીને દરેક સ્‍થળો પર તકેદારી વધારી દેવામાં આવી છે. મિશ્ર વસ્‍તી ધરાવતા વિસ્‍તારોમાં ગુપ્તચર માહિતી પણ સક્રિય છે. સિંહે કહ્યું કે શ્રી કળષ્‍ણ જન્‍મસ્‍થાન અને ઈદગાહ તરફ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્‍યો છે.

અધિક પોલીસ અધિક્ષકે કહ્યું કે, પોલીસ મંગળવારે સવારથી જ જાહેર સ્‍થળો પર પેટ્રોલિંગ કરી રહી છે. નોંધનીય છે કે, પોલીસે સોમવારથી જ શ્રી કળષ્‍ણ જન્‍મભૂમિ અને ઇદગાહ તરફ જતા વાહનોને રોકવાનું શરૂ કરી દીધું હતું. મંગળવારે મસાની, મિલન તિરાહા, ભૂતેશ્વર તિરાહા અને ભરતપુરગેટથી ખાનગી વાહનોને શ્રી કળષ્‍ણ જન્‍મભૂમિ અને ઇદગાહ તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. માત્ર એમ્‍બ્‍યુલન્‍સ, સ્‍કૂલ બસ, મીડિયા વાહનો અને જરૂરિયાતમંદોના વાહનોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેષ કુમાર પાંડેએ જણાવ્‍યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાને બગાડવા દેવામાં આવશે નહીં અને જો કોઈ વ્‍યક્‍તિ શાંતિમાં ખલેલ પહોંચાડશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર ઉશ્‍કેરણીજનક પોસ્‍ટ કરનારા ઘણા લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(3:55 pm IST)