Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સરકાર ખાતર સબસિડીમાં કરી શકે છે 50 હજાર કરોડ સુધીનો વધારો

ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ખાતર સબસિડી તરીકે 79,530 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી તે વધીને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા થઈ શકે

નવી દિલ્હી : કુદરતી ગેસ અને અન્ય કાચા માલના ભાવમાં વધારાને કારણે સરકાર ખાતર સબસિડી બિલમાં  વધારો કરી શકે છે. ક્રિસિલે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ખાતરની કિંમતમાં જોરદાર વધારો થયો છે, આવી સ્થિતિમાં સરકાર ખાતરની સબસિડીમાં 62 ટકા સુધીનો વધારો કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ખાતર સબસિડી તરીકે  79,530 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે તે વધીને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. વેચાણ વોલ્યુમના આધારે આમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો ઘટાડો છે.

ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તેના પર સબસિડી આપે છે. ખાતરની છૂટક વેચાણ કિંમત (RSP) બજાર દર કરતા ઘણી ઓછી રાખવામાં આવી છે. માર્કેટ રેટથી RSP જેટલી ઓછી રહે છે.  તે સબસિડીના રૂપમાં ઉત્પાદકને જાહેર કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્પાદકોના લેણાંમાં સતત વધારો થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં સરકારે નાણાકીય વર્ષ 2019-20માં 62,638 કરોડનું વધારાનું ભંડોળ બહાર પાડ્યું હતું અને ઉત્પાદકોની સબસિડીની બાકી રકમ ખત્મ કરી હતી.

સરકાર ખાતર ક્ષેત્રને લઈને વધુ સક્રિય છે. આ ક્ષેત્રને ઘણું વ્યૂહાત્મક મહત્વ આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ખાતર સબસિડીના રૂપમાં 21,328 કરોડ રૂપિયાની વધારાની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મે મહિનામાં 14,775 કરોડ, ઓક્ટોબર મહિનામાં 6,553 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ સબસિડી નોન યુરિયા ખાતર માટે છે.

CRISILના ડાયરેક્ટર નીતિશ જૈને કહ્યું કે આ નાણાકીય વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થશે. ખાતરના ઉત્પાદનમાં તેનો ફાળો લગભગ 75-80 ટકા છે. નોન-યુરિયા સબસિડીની વાત કરીએ તો ફોસ્ફોરિક એસિડ, એમોનિયા જેવા કાચા માલની કિંમતમાં 40-60 ટકાનો વધારો થયો છે.

(11:52 pm IST)